26/11 આતંકવાદી હુમલાની પીડિતાને આવાસ આપવાનો વિચાર કરોઃ હાઈકોર્ટ
આર્થિક નબળા વર્ગ હેઠળ આવાસ મેળવવા દેવિકા રોટવાનની અરજી
સેક્રેટરીના અભિગમથી કોર્ટ નારાજઃ આવા બાળકોની સેંકડો અરજીઓ રોજ આવતી નથી, આવાસ પ્રધાનને બે સપ્તાહમાં નિર્ણય લેવા નિર્દેશ
મુંબઇ: મુંબઈ પર ૨૬ નવેમ્બર ૨૦૦૮ના થયેલા આતંકવાદી હુમલાની પીડિતા દેવિકા રોટવાને આર્થિક નબળા વર્ગ માટેની આવાસ યોજનામાં ઘર મેળવવાની વિનંતીને ધ્યાનમાં લેવા બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યો છે. હુમલા વખતે ૯ વર્ષની વય ધરાવતી રોટવાનની અરજી સંવેદના અને તેના અસામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખવાનો કોર્ટે આદેશ આપ્યો છે. આ કેસમાં આવાસ વિભાગના સેક્રેટરીના સરકારી રાહે નોટિંગથી હાઈકોર્ટ નારાજ થઈ હતી.
રાજ્યના ગૃહનિર્માણ ખાતાને નિર્દેશ આપીને જણાવ્યું હતું કે બાળકોના આવા સેંકડો દાવા તમારી પાસે આવતા નથી. આ કેસ એવો છે જેમાં ધ્યાન આપી શકાય છે.જ્યારે ખરેખર લાયક કેસ રજૂ કરાતો હોય તો ખાતાએ માનવ અધિકાર અને માનવતા દર્શાવવાની આવશ્યકતા રહે છે. વધુમાં આતંકવાદી હુમલાની પીડિતા હોવાથી અમારા મતે ઓથોરિટીએ અસામાન્ય રીતે હાથ ધરવાની જરૂર છે. પ્રધાનને અમે યોગ્ય નિર્ણય લેવા જણાવીએ છીએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
આતંકી હુમલામાં રોટવાને પર ગોળી ચાલી હતી. તેણે અનેક સર્જરીઓ કરાવી હતી અને વિવિધ બીમારીઓથી પીડાય છે જેની સારવાર હજી ચાલી રહી હોવાનો તેણે દાવો કર્યો છે.
આતંકવાદી હુમલાના કેસમાં અજમલ કસાબને સજા કરાવવામાં તેણે મહત્ત્વની જુબાની આપી હતી. આજે પણ તેણે સંબંધીક કેટલાંક કેસોમાં સુનાવણીમાં હાજરી આપવી પડે છે અને આર્થિક સ્થિતિને લીધે તે હજી પણ પીડાય છે. હુમલામાં તેને થયેલી હાલાકી સામે તેને નજીવું વળતર મળ્યું છે અને વળતરથી ઘર મેળવી શકાય એવું કંઈ બચ્યું નથી.આથી તેણે આર્થિક નબળા વર્ગની યોજના હેઠળ આવાસ મેળવવાની માગણી કરી છે. કોર્ટે અગાઉ તેની રજૂઆત પર સરકારને નિર્દેશ આપ્યો હતો પણ આજે કોર્ટને જણાવાયું હતું કે નબળા આર્થિક વર્ગ હેઠળ તેને આવાસ આપી શકાય તેમ નથી. ખાતાના અંડરસેક્રેટરીના નિર્ણયથી નારાજ કોર્ટે પ્રધાન સમક્ષ કેસ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો અને બે સપ્તાહમાં નિર્ણય લેવા જણાવ્યું હતું ૃ.