લોકસભા ચૂંટણી પરિણામો પછીનો અતિ આત્મવિશ્વાસ કોંગ્રેસને નડયો
- બંધારણ અને આરક્ષણ જોખમમાં હોવાનો મુદ્દો ન ચાલ્યો
- સ્થાનિક મુદ્દાની અવગણના અને સ્થાનિક નેતૃત્વનો અભાવ કોંગ્રેસના પરાજયનું મુખ્ય કારણ બન્યા
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિ ફરી વધુ દમદાર વિજય સાથે સત્તા પર આવી છે ત્યારે વિપક્ષી મહાવિકાસ આઘાડીની સ્થિતિ વધુ બદતર બની છે. આ ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને તેમની ટીમનું સંવિધાન જોખમમાં છે વાળુ નેરેટીવ કામ નથી આવ્યું. આ જ નેરેટીવના જોરે ઈન્ડી ગઠબંધને લોકસભાની ચૂંટણીમાં ૪૮માંથી ૩૦ બેઠકો મેળવી હતી. એટલે કે માત્ર છ મહિનામાં જ રાહુલ ગાંધીને જીતની ફોર્મ્યુલા ફલોપ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં લોકસભામાં ઉજ્જવળ દેખાવ બાદ કોગ્રેસ અતિ આત્મવિશ્વાસમાં આવી ગઈ હતી. તે તેના માટે જોખમી પુરવાર થયું છે.
રાહુલ ગાંધીએ રાજ્યમાં તમામ ચૂંટણી સભામાં બંધારણ જોખમમાં છેનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉપરાંત તેમણે આરક્ષણ પણ પચાસ ટકાથી વધારવાની વાત કરી હતી તેમજ જાતિ જનગણનાની પણ વકાલત કરતા રહ્યા હતા. તેમની દલીલ હતી કે જેટલી જનસંખ્યા વધુ હોય તેટલી તેમની હિસ્સેદારી વધુ હોવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દલિતોની સંખ્યા લગભગ બાર ટકા છે જ્યારે ઓબીસી ૩૮ ટકા છે. બીજી તરફ આદિવાસી સમુદાય નવ ટકા તો મરાઠા સમુદાય ૨૮ ટકા છે. લોકસભાના ચૂંટણી પ્રચારમાં જ્યારે તેઓ હાથમાં લાલ પુસ્તક લઈને કહેતા હતા કે ભાજપ ચારસો સીટ મેળવીને સંવિધાન ખતમ કરવા માગે છે અને દલિતો તેમજ પછાત જાતિના આરક્ષણ સમાપ્ત કરવા માગે છે ત્યારે લોકોએ તેમની વાતને ગંભીરતાથી લીધી અને ઈન્ડી ગઠબંધનને પૂરુ સમર્થન આપ્યું.
પણ જ્યારે આ જ વાતો તેમણે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં કરી ત્યારે લોકોમાં તેની અસર નહિવત પડી. જેમણે ઈન્ડી ગઠબંધનને લોકસભામાં ૪૮માંથી ૩૦ બેઠકો આપી હતી તેમણે વિધાનસભામાં સંપૂર્ણ જાકારો આપી દીધો. દેખીતું છે કે જનતાનો હવે રાહુલ અને કોંગ્રેસની બંધારણ અને આરક્ષણ જોખમમાં છેના નેરેટીવને રાષ્ટ્રીય કક્ષાએ માન્ય રાખ્યું હતું પરંતુ સ્થાનિક મુદ્દાની અવગણના તેમજ સ્થાનિક નેતૃત્વનો અભાવ કોંગ્રેસ ના પરાજયનું કારણ બન્યા છે.