કોંગ્રેસ પ્રમુખ નાના પટોળેએ કાર્યકર પાસે કાદવથી ખરડાયેલા પગ ધોવડાવ્યા
જન્મદિવસે દર્શને ગયા બાદ વરસાદને લીધે પગ ખરડાયા હતા
સામતંશાહી માનસિકતા ધરાવતા હોવાનો ભાજપનો આરોપ, કાર્યકરોની માફી માગે તેવી પણ માગણી
મુંબઇ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોળેએ કાયકર પાસે કાદવથી ખરડાયેલા પગ ધોવડાવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. તેના કારણે તેમની ભારે ટીકા થઈ રહી છે. ભાજપે પટોળે સામંતશાહી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.
નાના પટોલે અકોલા જિલ્લાના વડગાંવની મુલાકાતે ગયા હતા. ત્યાં તેમના સમર્થક દ્વારા નાના પટોલેના જન્મ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ સમયે પટોલેએ ત્યાંની સ્થાનિક શાળાની નજીક સંત શ્રી ગજાનન મહારાજની પાલખીના દર્શન કરવા ગયા હતા. તે સમયે ત્યાં વરસાદ વરસ્યો હતો. પરિણામે મેદાનમાં કાદવ કિચડ થઇ ગયો હતો. આમ છતાં પટોળે તથા અન્ય કાર્યકરો કાદવ કિચડમાં ચાલીને પાલખી સુધી ગયા હતા અને દર્શન કર્યા હતા.
પટોળે પાછા ફર્યા ત્યારે તેમના પગ ધોવા માટે પાણી મગાવાયું હતું. વિજય ગુરવ નામના કાર્યકરે પોતાના હાથથી પટોળેના કાદવ કિચડવાળા પગ ધોયા હતા. પટોળેએ તેને રોકવાને બદલે કોઈ પોતાના પગ ધોઈ રહ્યું છે તે ઠાઠભેર માણ્યું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો પટોળેની ટીકા કરી રહ્યા છે. પટોળેેએ આ કાર્યકરની માફી માગવી જોઈએ તેમ લોકો જણાવી રહ્યા છે.
બીજી તરફ ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ આકરી ટીકા કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ નવાબી સામંતશાહી માનસિકતા ધરાવે છે તે પુરવાર થયું છે. તેઓ જનતાને તથા કાર્યકરોને ગુલામ સમજે છે.
નાના પટોળેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું ખેડૂત પુત્ર છું. મારા માટે પગ કાદવવાળા હોય તે વાતની કોઈ નવાઈ નથી. મેં માત્ર કાર્યકર પાસે પાણી મગાવ્યું હતું અને પગ જાતે સાફ કર્યા હતા.