કોંગ્રેસ પ્રમુખ ખારગે, મહામંત્રી જયરામ રમેશને નીતિન ગડકરીની કાનૂની નોટિસ
સોશ્યલ મીડિયા પર ગેરમાર્ગે દોરતા સમાચાર અપલોડ કરવા બદલ
ભાજપના પ્રધાનની મુલાકાતને હેતુપૂર્વક તોડીમરોડીને અપલોડ કરાયાનો આક્ષેપ
નાગપુર : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પોતાના વિશે માઈક્રો બ્લોગિંગ સાઈટ 'એક્સ'પર બદનક્ષીભર્યા અને ગેરમાર્ગે દોરનારા સમાચાર વહેતા કરવા બદલ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખારગે અને મહામંત્રી જયરામ રમેશને કાનૂની નોટિસ મોકલાવી છે.
ગડકરીના વકિલ બાલેન્દુ શેખરે જણાવ્યું હતું કે અમારા અસીલ આ વાત જાણીને આઘાત પામ્યા છે.ખરગે અને રમેશે હેતુપૂર્વક ૧૯ સેકન્ડની વિડિયો ક્લિપ વહેતી કરી છે જેમાં ગડકરીએ 'ધ લલ્લનટોપ' વેબ પોર્ટલને આપેલી મુલાકાતની છેડછાડ કરેલી ક્લિપ છે.ગડકરીને જનતાની નજરમાં ઉતારી પાડવા, સનસનાટી મચાવવા અને ગૂંચવણ ઊભી કરવાના બદઈરાદે આવું કૃય કરવામાં આવ્યાનું નોટિસમાં જણાવાયું છે. આગામી લોકસભા ચૂંટણીમાં જીત નિશ્ચિત હોવાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ફૂટ પડાવવાનોનિરર્થક પ્રયાસ હોવાનું પણ નોટિસમાં જણાવાયું છે.
'આજ ગાંવ, મઝદૂર ઔર કિસાન દુખી હૈ, ગાંવમે અચ્છે રોડ નહીં હૈ, પીને કે લીયે શુદ્ધ પાની નહીં હૈ- મોદી સરકાર કે મંત્રી નીતિન ગડકરી'એમ હિન્દીમાં કેપ્શન સાથે હેતુપૂર્વક વિડિયો ચલાવાયો છે.
સરકારના પ્રયાસો વિશે જણાવતી ગડકરીની મુલાકાતની સત્યતાથી વાકેફ હોવા છતાં વિડિયો હિન્દી લખાણ સાથે વિડિયો ક્લિપ અપલોડ કરીને ગડકરીની પ્રતિમા મલિન કરવાનો પ્રયાસ કરાયો છે.
નોટિસમાં બંને જણને માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ પરથી આ સાહિત્ય ૨૪ કલાકમાં દૂર કરવાનું સાથે જ માફીનામું અપાવાનું જણાવ્યું છે. આમ નહીં કરવામાં અવાતાં અમારા અસીલ ઉપલબ્ધ એવા તમામ માર્ગ અપનાવશે જેમાં દિવાની અને ફોજદારી પગલાંનો સમાવેશ થાય છે જે બંનેના જોખમે અને ખર્ચે હશે, એમ નોટિસમાં જણાવાયું છે.