'કોંગ્રેસની ઈમરજન્સી લાદવાની માનસિકતા બદલાઇ નથી..'રાહુલ ગાંધી પર મોદીના પ્રહાર
- વર્ધા અને અમરાવતીમાં વડાપ્રધાનનો ચૂંટણી પ્રચાર
- તેમના યુવરાજ દેશને ધમકી આપે છે કે જો ભાજપ જીતશે તો દેશ ભડકે બળશેઃ નરેન્દ્ર મોદીનો પ્રહાર
વર્ધા, મહારાષ્ટ્ર : પૂર્વ મહારાષ્ટ્રમાં વર્ધા અને અમરાવતીના ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતાં ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસની કટોકટી લાદવાની માનસિકતા બદલાઇ નથી. વિરોધપક્ષના જૂથ ઇન્ડિયા પાસે વિકાસના કોઇ વિચારો નથી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જાણે છે કે તેઓ આ ચૂંટણીઓ જીતી શકે તેમ નથી અને તેથી તેમના યુવરાજ દેશને ધમકી આપે છે કે જો ભાજપ જીતશે તો દેશ ભડકે બળશે. જ્યારે તેમના યુવરાજ એમ કહેતાં હોય કે દેશ ભડકે બળશે ત્યારે એ દર્શાવે છે કે તેમની બંધારણને બંધિયાર રાખવાની અને કટોકટી લાદવાની તેમની માનસિકતા બદલાઇ નથી. વર્ધા અને અમરાવતીમાં બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે.
વડાપ્રધાને ચૂંટણીસભામાં જણાવ્યું હતું કે તમિલનાડુમાં ઇન્ડિયા જૂથના નેતાઓ સનાતન ધર્મનો નાશ કરવાની વાતો કરે છે અને છતાં મહારાષ્ટ્રમાં તેઓને સભાઓ સંબોધવા માટે બોલાવવામાં આવે છે. કોંગ્રેસે રામમંદિરમાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો હતો. પ્રથમ રામ નવમીએ સૂર્ય તિલક થતાં જ દેશ ભક્તિમય બની ગયો હતો. પણ ઇન્ડિયા યુતિના નેતાઓ તેને તરકટ કહે છે. આ કોંગ્રેસનો અસલી ચહેરો છે. કોંગ્રેસને મહારાષ્ટ્રમાં તેના પાપોની સજા કરો.
વડાપ્રધાને કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકને વિકાસ વિરોધી અને ખેડૂતવિરોધી ગણાવી જણાવ્યું હતું કે તેમને મત આપવાથી તમારો મત વેડફાશે. ૨૦૧૪ પહેલાં દેશમાં એવો માહોલ હતો કે દેશમાં કશું સારું બનતું નથી. ગરીબો, ખેડૂતો અને મહિલાઓમાં નિરાશા વ્યાપેલી હતી. પોતાનો ઉલ્લેખ કરી વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ગરીબ માણસનો પુત્ર વિકાસના વંચિતોની સેવા કરતો હતો. હવે દેશ આત્મવિશ્વાસથી ભરપૂર બન્યો છે અને મોદીની ગેરંટી ભણી જોઇ રહ્યો છે જે રોડ મેપ અને પ્રતિબદ્ધતા સાથે આવે છે. આ ઉપરાંત વડા પ્રધાને તેમની વિવિધ સિદ્ધિઓને વર્ણવી હતી ે પોતાની વિવિધ યોજનાઓના ગુણગાન ગાયા હતા.