સુધરી જાઓ, નાટક બંધ કરો: સંજય રાઉત પર ભડક્યાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
સુધરી જાઓ, નાટક બંધ કરો: સંજય રાઉત પર ભડક્યાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ 1 - image


Image Source: Twitter

Nana Patole on Sanjay Raut :  મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂક્યો છે. હવે ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)માં સાંગલી લોકસભા સીટ માટે વિખવાદ વધી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉત અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વચ્ચે પણ તુ-તુ-મેં-મેંની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતની ટીકા કરતા કહ્યું કે, તેઓ મોટા નેતા છે અને તેમણે નાટકો બંધ કરીને મર્યાદાનું પાલન કરવું જોઈએ. રાઉતે નાના કાર્યકરોની જેમ નિવેદનો ન આપવા જોઈએ.

સંજય રાઉતે શું કહ્યું હતું?

ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે શનિવારે યોજાયેલી ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં રાજ્યસભાના સાંસદ રાઉતે કહ્યું હતું કે જો તેઓ સાંગલીમાં અમારી મૂંઝવણ વધારવાનો પ્રયાસ કરશે તો અમે સમગ્ર રાજ્યમાં તેમની સમસ્યાઓ વધારી દઈશું. રાઉતે આ ટિપ્પણી ભાજપના ઉમેદવાર સંજયકાકા પાટીલ અને કોંગ્રેસ નેતા વિશાલ પાટીલ પર નિશાન સાધતા કરી હતી. રાઉતના આ નિવેદન પર નાના પટોલેએ તીખી પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉત નાટક બંધ કરો: પટોલે

કોંગ્રેસના નેતા નાના પટોલેએ સંજય રાઉતની ટીકાનો જવાબ આપતા કહ્યું કે, અમે ભાજપ સામે લડી રહ્યા છીએ... જે દેશમાં લોકશાહીની વિરુદ્ધ છે. અમારી ભૂમિકા સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં સંજય રાઉતનું એક નાના કાર્યકર્તાની જેમ નિવેદન આપવું યોગ્ય નથી. એટલા માટે  તેમને હવે સુધરવાની જરૂર છે. અમે શાંતિથી સાંગલી બેઠકનો રસ્તો કાઢવા માંગીએ છીએ પરંતુ અમારી આ ભૂમિકા પર એક મોટા નેતાનું આ પ્રકારનું નિવેદન આપવું ખોટું છે. સંજય રાઉતે હવે નાટક બંધ કરી દેવું જોઈએ. તેઓ ઉદ્ધવ ઠાકરે જૂથના મોટા નેતા છે. સંજય રાઉતે નાના કાર્યકર્તાની જેમ કામ ન કરવું જોઈએ.

પટોલેએ એમ પણ કહ્યું કે સાંગલી બેઠકનો મુદ્દો બે દિવસમાં મધ્યસ્થી દ્વારા ઉકેલી દેવામાં આવશે. MVA ગઠબંધનમાં કોંગ્રેસ, NCP (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સામેલ છે. જ્યારે MVAના ત્રણેય પક્ષો પણ 'I.N.D.I.A.' ગઠબંધનનો ભાગ છે.

અમે સાંગલી જીતીશું: રાઉત

સાંગલી બેઠક અંગે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓ વચ્ચે આરપારની સ્થિતિ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની તમામ 48 સીટો MVAની છે અને શિવસેના (UBT) કે કોંગ્રેસની નથી. સાંગલી સીટ શિવસેના પાસે હોવાથી કેટલાક લોકો નારાજ થઈ શકે છે. અમરાવતી અને કોલ્હાપુર અમારી બેઠકો હતી પરંતુ અમે અમારા કાર્યકર્તાઓને સમજાવ્યા. જો સાંગલીમાં કોંગ્રેસના કેટલાક લોકો નારાજ છે તો તેમને સમજાવવાની જવાબદારી શીર્ષ નેતૃત્વની છે. અમે સાંગલી બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરીશું. 

કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહી છે. જો કે, આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ જૂથે સાંગલી બેઠક પર દાવો તો કર્યો જ પરંતુ આ સાથે જ નિર્ણય લેવામાં આવે તે પહેલાં જ ચંદ્રહર પાટીલને તેના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતાઓએ પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ ઉદ્ધવ જૂઠે પોતાના ઉમેદવારને પાછા ખેંચવાનો ઈનકાર કરી દીધો છે. 



Google NewsGoogle News