નવી મુંબઈની સિટી બસમાં કપલની પ્રણયલીલા બાદ કન્ડકટરને નોટિસ
બસની સમાંતર ચાલતી કારમાંથી વ્યક્તિએ વીડિયો શૂટ કર્યો
પનવેલથી કલ્યાણ જતી બસમાં કપલ મર્યાદા ભૂલ્યું ઃ તેમને અટકાવ્યાં કેમ નહિ તે મુદ્દે કંડકટરને નોટિસ
મુંબઈ - નવી મુંબઈની એસી સીટી બસમાં એક વિચિત્ર ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો છે.પનવેલથી કલ્યાણ જતી આ બસ સાવ ખાલી ખમ હોવાથી એક કપલે ચાલુ બસમાં પ્રણયલીલા આચરી હતી. જેનો વીડિયો બસની સમાંતર દોડતી કારમાં બેઠેલી વ્યક્તિએ શૂટ કર્યો હતો. કપલનો કઢંગી અવસ્થામાં શૂટ થયેલા આ ૨૨ સેકન્ડનો વીડિયો મોટા પાયે વાયરલ થયા બાદ બસના કન્ડક્ટર ને તેણે આ યુગલને અટકાવ્યું કેમ નહિ તેનો ખુલાસો પૂછતી નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર નવીમુંબઈ પાલિકાની એ.સી. સીટી બસ પનવેલથી કલ્યાણ તરફ જઈ રહી હતી. બસ સાવ ખાલી હોવાથી અને બસમો કન્ડક્ટર ડ્રાઈવરની બાજુમાં જઈને બેઠો હતો. આથી બસમાં પાછળ પ્રવાસીઓ શું કરે છે તેના પર તેનું કોઈ ધ્યાન જ ન હતું. આ વાતનો ફાયદો ઉઠાવી કપલે ચાલુ બસમાં જ પ્રણયલીલા શરૃ કરી હતી. આ સમયે બસની બાજુમાંથી પસાર થઈ રહેલી કારમાં બેઠેલી એક વ્યક્તિએ આ દ્રશ્ય જોયું હતું. એસી બસના મોટા કાચની આરપાર દેખાતી પ્રણયલીલાથી તે ચોંકી ગયો હતો. ધીમી ગતિએ જતી બસમાં કપલની કામલીલાનો ૨૨ સેકન્ડનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો ત્યારબાદ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ નવીમુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના અધિકારીઓએ આ પ્રકરણે બસના કન્ડક્ટરને નોટિસ ફટકારી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ ખાલી હોય તો પણ કન્ડકટરે ડ્રાઈવરની બાજુમાં બેસી રહેવાને બદલે બસમાં છેડે બેસવું જોઈએ અને બસમાં ધ્યાન રાખવું જોઈએ. તેણે બસ જેવી જાહેર જગ્યાએ કપલને આવુ કૃત્ય કરવાથી રોકવું જોઈતું હતું. જો કે ડ્રાઈવરની સીટની બાજુમાં ગોઠવાઈ ગયેલા કન્ડક્ટરને કદાચ આ વાતનો અંદાજ નહીં હોય પણ તેણે નજર રાખવી જરૃરી હતી. તેથી તેની સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
બસમાં આ રીતનું કૃત્ય કરનાર કપલની ઓળખ થઈ નથી અને તેમની સામે કોઈ કાયદેસર કાર્યવાહીની પુષ્ટિ પણ થઈ નથી.
ભારતીય ન્યાયસંહિતાની કલમ ૨૯૬ મુજબ સાર્વજનિક ઠેકાણે અશ્લીલ વર્તન કરવું એ ગુનો છે. જો કોઈ દોષી જણાય તો તેને રૃા. એક હજારનો દંડ અથવા ત્રણ મહિનાની કેદની સજા થઈ શકે છે.