મુંબઈની અભિનેત્રીની ગેરકાયદે ધરપકડ અને સતામણીની ફરિયાદ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
મુંબઈની અભિનેત્રીની ગેરકાયદે ધરપકડ અને સતામણીની ફરિયાદ 1 - image


આંધ્ર પ્રદેશની પોલીસે ઉદ્યોગપતિને બચાવવા

એફઆઈઆર કર્યા વિના તેમજ જાતીય સતામણીના કેસની સુનાવણી ચુકી જવાય તે રીતે ધરપકડ કરાઈ હોવાનો આરોપ

મુંબઈ - મુંબઈની એક્ટર કાદમ્બરી જેઠવાનીએ આંધ્ર પ્રદેશના ત્રણ પોલીસ અધિકારીઓ સામે પોતાની અને પોતાના પરિવારની ગેરકાયદે ધરપકડ કરવાનો આક્ષેપ કર્યો છે. તેના દાવા મુજબ આંધ્ર પ્રદેશની પોલીસે તેણે મુંબઈના જે ઉદ્યોગપતિ સામે જાતીય સતામણીનો કેસ કર્યો હતો તેને બચાવવા માટે આ ધરપકડ કરી હતી. ઉપરાંત ધરપકડ પણ યોજના અનુસાર ૩જી ફેબુ્રઆરીના રોજ, જાતીય સતામણીના કેસની કોર્ટની સુનાવણીના ત્રણ દિવસ અગાઉ કરાઈ હતી જેના પરિણામે પોતાની ગેરહાજરીને કારણે કેસ બંધ કરી દેવાયો હતો.

કાદમ્બરી જેઠવાનીએ આક્ષેપ કર્યો હતો તેની ધરપકડ તે સમયે સત્તામાં રહેલા વાયએસઆર કોંગ્રેસના વરિષ્ઠ નેતાની બોગસ ફરિયાદના આધારે કરાઈ હતી જેમાં તેના પર જમીન કૌભાંડ તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં છુપા કેમેરા મુકવાનો આરોપ કરાયો હતો. કાદમ્બરીએ આંધ્ર પ્રદેશની મુલાકાત લેવાના તેમજ આવા કોઈ સોદા અથવા કોઈ કૌભોંડમાં સામેલ હોવાના આરોપ ફગાવ્યા હતા. 

કાદમ્બરીએ દાવો કર્યો હતો કે તેની ધરપકડ અને તેના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની જપ્તી ગેરકાયદે હતી જેમાં તેના માનવીય અને લોકશાહીના અધિકારોનું હનન થયું હતું. 

અભિનેત્રીની  ધરપકડ માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કાદમ્બરીના મતે સમગ્ર ઘટના રાજકીય પ્રભાવ અને પૈસાના જોરે ઘડવામાં આવી હતી. એના માટે તેણે એફઆઈઆર દાખલ થવા અગાઉ કરાયેલી ધરપકડમાં આચરવામાં આવેલી ગેરરીતિ ટાંકી હતી. 

અભિનેત્રીની ધરપકડ માટે જગન જવાબદારઃ શર્મિલા

વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વાય એસ જગન મોહન રેડ્ડી પર તેની બહેન અને રાજ્ય કોંગ્રેસ પ્રમુખ વાય એસ શર્મિલાએ મુંબઈ સ્થિત અભિનેત્રી કાદમ્બરી જેઠવાની સામે ખોટો કેસ દાખલ કરવા પાછળ માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ કર્યો છે. શર્મિલાએ દાવો કર્યો છે કે જગને પોતાના મિત્ર અને ઉદ્યોગપતિનું રક્ષણ કરવા જેઠવાનીની ગેરકાયદે ધરપકડ કરાવીને તેને ત્રણ દિવસ વિજયવાડાના ગેસ્ટહાઉસમાં ગોંધી રાખી હતી. શર્મિલાના દાવા મુજબ જગનની ઉદ્યોગપતિ સાથે ગુપ્ત સમજૂતી હતી. ઉદ્યોગપતિએ આંધ્ર પ્રદેશ સરકાર સાથે રૃા. ૮,૮૦૦ કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ ઊભો કરવાનો કરાર કર્યો હતો. શર્મિલાના દાવા મુજબ આ પ્લાન્ટ ઊભો નહોતો કરાયો પણ ઉદ્યોગપતિને જમીન ફાળવી દેવાઈ હતી. શર્મિલાએ જગન પર અભિનેત્રી સામે ખોટા કેસ કરીને તેની ધરપકડ કરાવવાનો આરોપ લગાવ્યો હતો.



Google NewsGoogle News