યુટીએસ એપ ઠપ થતાં પ્રવાસીઓ પરેશાન, ટીસી સાથે તકરાર થઈ
રેલવેના યુટીએસ એપમાં વારંવાર ખામી
ટિકિટ ન નીકળતાં બૂકિંગ કાઉન્ટર પર લાંબી કતારોઃ અનેક પ્રવાસીઓ વેલિડ ટિકિટ હોવા છતાં દંડાયા
મુંબઈ - લોકલના પ્રવાસીઓની ઇ-ટિકિટિંગ સુવિધા માટે બનેલી યુટીએસ મોબાઇલ એપ વારંવાર પ્રવાસીઓની ટીકાઓનો સામનો કરી રહી છે. મંગળવારે સાંજે ઠપ પડી ગયેલી એપને કારણે પ્રવાસીઓને ટિકિટ કાઢવામાં કે કાઢેલા ટિકિટ/પાસ ટીસીને બતાવવામાં અડચણો આપી હતી. તેને લીધે કેટલાંક પ્રવાસીઓનો ટીસી સાથે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય રેલવેની એપ યુટીએસનો વપરાશ અંદાજે ૧.૪ કરોડ પ્રવાસીઓ કરે છે. તેમાં અવારનવાર ટેક્નિકલ ખામીઓ પેદા થતી હોય છે. જેને કારણે એક સમયે કરોડો પ્રવાસીઓને તકલીફ પડે છે. મંગળવારે આપેલી ટેક્નિકલ ખામીમાં પ્રવાસીઓએ ફેસિલિટી એક્સેસ એરરની સમસ્યાનો સામનો કરવો પડયો હતો. સાંજે પીક અવર્સમાં બંધ થયેલી આ મહત્ત્વની સુવિધાને કારણે પ્રવાસીઓ હેરાન થયા હતા. ટિકિટબારીઓ પર પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. પ્રવાસીઓએ ફરિયાદ કરી છે કે આવી અડચણો અનેકવાર આવે છે. રેલવેએ તેના માટે કોઈ કાયમી ઉકેલ શોધવાની જરૃર છે.