નવી મુંબઈમાં કોલેજની વિદ્યાર્થિની પર કાચની બોટલથી હુમલોઃ ભિક્ષુકની ધરપકડ

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
નવી મુંબઈમાં કોલેજની વિદ્યાર્થિની પર કાચની બોટલથી હુમલોઃ ભિક્ષુકની ધરપકડ 1 - image


બસ સ્ટોપ પર ઉભેલી વિદ્યાર્થિનીની તૂટેલી કાચની બોટલથી હત્યાનો પ્રયાસ

મુંબઈ: નવી મુંબઈના નેરુળમાં કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીના માથા અને પેટમાં કાચની બોટલ તોડીને હુમલો કરનારા ભિક્ષુકને પોલીસે ઝડપી લીધો છે. આ હુમલામાં ગંભીરપણે જખમી થયેલી વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

આ મામલામાં ૨૬ વર્ષીય ઈમામ હસન શમસુદ્દીનને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીની માનસિક સ્થિતિ સારી છે કે કેમ એની પણ તપાસણી થઈ રહી છે.

નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તાનાજી ભગતે જણાવ્યું હતું કે 'ઐરોલીમાં રહેતી વિદ્યાર્થિની નેરુળની કોલેજમાં આવી હતી. તે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ બસ સ્ટોપ ફ્રેન્ડની સાથે ઉભી હતી. બંને વાત કરવામાં મશગૂલ હતા. ત્યારે અચાનક કોઈપણ પ્રકારના વિવાદ વિના ભિક્ષુક ઈમામે કાચની બોટલથી વિદ્યાર્થિની પર હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી.

આ દરમિયાન આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. બસ સ્ટોપ પાસે ઉભેલા લોકોની મદદથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીને ઝડપી લીધો હતો.


Google NewsGoogle News