પ્રવેશ પ્રક્રિયાના 2 મહિના પહેલાં કૉલેજનું માહિતી પત્રક જાહેર કરવું પડશે
રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષણ સંસ્થાઓને આદેશ
કૉલેજમાં શીખવવામાં આવનાર કોર્સ, તેની ફી, સંબંધિત પ્રાધ્યાપક વગેરેની માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ થતાં ગેરરીતિ અટકશે
મુંબઈ : રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ હવે શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ થવાના આશરે ૬૦ દિવસ પહેલાં શૈક્ષણિક અભ્યાસક્રમનું માહિતીપત્રક વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરી આપવાનું રહેશે. આ બાબતનો આદેશ પણ ઉચ્ચ શિક્ષણ વિભાગે બહાર પાડયો છે. આથી એકાદા કોર્સના એડમિશન પહેલાં જ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી લેવાતી ફી, પ્રાધ્યાપકો સહિત અન્ય બાબતોની માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.
શિક્ષણ સંસ્થામાં સંબંધિત કોર્સ શીખવતાં પ્રાધ્યાપકો, તેમની શૈક્ષણિક પાત્રતા, શીખવવાનો અનુભવ, તેમની નિયુક્તિ રેગ્યુલર છે કે કૉન્ટ્રાક્ટ આધારિત તેની સંપૂર્ણ માહિતી પ્રવેશ પ્રક્રિયા શરુ થવાના ૬૦ દિવસ એટલે કે બે મહિના પહેલાં શિક્ષણ સંસ્થાએ આપવાની રહેશે. તેમજ શિક્ષણ સંસ્થામાં ભણાવાતાં કોર્સ, તેમાંના વિષય અને અભ્યાસક્રમ, તે અભ્યાસક્રમ માટે લેવાતી ફી ઉપરાંત કૉલેજ દ્વારા લેવાતી લાઈબ્રેરી ફીથી માંડી વિવિધ બાબતો માટેની ફીની માહિતી પણ આપવી પડશે.
કોર્સ પૂરો થવા પહેલાં જો વિદ્યાર્થી એડમિશન રદ્દ કરે તો શિક્ષણ સંસ્થા દ્વારા તેને કેટલી ફી પરત કરાશે, એ પણ સ્પષ્ટ કરવું પડશે. તે સાથે જ વિદ્યાર્થીઓના ગેરવર્તનના કિસ્સામાં કૉલેજ દ્વારા વસૂલાતા દંડની વિગત પણ આ માહિતી પત્રકમાં આપવાની રહેશે. આ બધી વિગત વેબસાઈટ પર ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓની ફસામણી અટકશે, એવ આશા અધિકારીઓએ વ્યક્ત કરી હતી.