Get The App

બ્લડ કેન્સરનાં બાળ દરદીઓની જલદી સારવાર માટે ટાટા મેમોરિયલે 3 હોસ્પિટલ સાથે સહયોગ કર્યો

Updated: Dec 9th, 2022


Google NewsGoogle News
બ્લડ કેન્સરનાં બાળ દરદીઓની જલદી સારવાર માટે ટાટા મેમોરિયલે 3 હોસ્પિટલ સાથે સહયોગ કર્યો 1 - image


   મુંબઇ :  ટાટા મેમોરિયલ હોસ્પિટલે(ટી.એમ.એચ.-પરેલ)  બ્લડ  કેન્સરનાં  બાળ દરદીઓમાટે જરૃરી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટસ(બી.એમ.ટી.) માટેનો વેઇટિંગ પિરિયડ(સારવાર માટેનો સમયગાળો) ઓછો કરવા શહેરની ત્રણ હોસ્પિટલ સાથે સહયોગ સાધ્યો છે.

આ ત્રણ હોસ્પિટલમાં વાડિયા હોસ્પિટલ, એસ.આર.સી.સી હોસ્પિટલ(હાજી અલી), મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્રિહેન્સીવ થાલેસેમિયા સેન્ટર(બોરીવલી)નો સમાવેશ  થાય છે.

ટી.એમ.એચ.નાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આ વિશિષ્ટ સુવિધા માટે ૨૦૧૮માં જ ત્રણેય હોસ્પિટલ્સ સાથે સમજૂતી કરાર થયા છે. આ સુવિધા અંતર્ગત  ૨૦૧૮થી અત્યારસુધીમાં  ૧૦૦ કરતાં પણ વધુ કેસમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ અમારો લક્ષ્યાંક દર વરસે ૧૦૦ બી.ટી.એમ. કરવાનો છે.

કેન્સરની સારવારના નિષ્ણાત તબીબોના કહેવા મુજબ બાળકોમાં  બ્લડ કેન્સરની અસર સામાન્ય ગણાય છે. ટી.એમ.એચ.માં ઘણાં બાળ દરદીઓ બ્લડ કેન્સરની સારવાર માટે દાખલ થાય છે. આમાંનાં અમુક બાળ દરદીઓને  બી.ટી.એમ.ની જરૃર રહે છે.આમ છતાં  અમુક  ગંભીર  બાળ દરદીઓની બી.એમ.ટી.  સારવાર માટે  પણ વેઇટિંગ પિરિયડ છ મહિનાથી એક વરસ જેટલો લાંબો હોય છે. 

ઉદાહરણરૃપે ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન ફક્ત ૩૭ બી.એમ.ટી. થયાં હતાં. જોકે ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન વધીને ૧૪૧ બી.એમ.ટી. થયાં હતાં. જ્યારે ૨૦૨૨ના ડિસેમ્બર સુધીમાં ૫૫(પંચાવન) બી.એમ.ટી. થયા છે. આમાંનાં ૨૫ ટકા જેટલાં બી.એમ.ટી. ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં થયા હતા.

ટાટા મેમોરિયલ સેન્ટર(ટી.એમ.સી.)ના ડાયરેક્ટર ડો.એસ.ડી.બનવાલીએ એવી માહિતી આપી હતી કે આવી  વિશિષ્ટ સુવિધાથી  બાળકોમાં થતી બ્લડ  કેન્સરની  બીમારી વિશે બહોળી જાગૃતિ ફેલાશે.બાળ દરદીઓની  ઉત્તમ  સારવાર થવી જરૃરી છે. જોકે હવે સીએઆર-ટી, સેલ થેરપી અને પ્રોટોન થેરપી જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી આ બીમારી વિશે ઉપયોગી સંશોધન અને સારવાર બંને થઇ શકે છે.



Google NewsGoogle News