Get The App

મહારાષ્ટ્રનાં 8 શહેરમાં કોલ્ડવેવની ચેતવણી : મુંબઈમાં ખુશનુમા માહોલ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રનાં 8 શહેરમાં કોલ્ડવેવની ચેતવણી : મુંબઈમાં ખુશનુમા માહોલ 1 - image


- મુંબઈ 35.4 ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રમાં સૌથી હોટ

- એન્ટિ સાયકલોનિક સકર્યુલેશનની તીવ્ર અસરઃ અહમદનગર- 6.4, નાગપુર- 7.0, ગોંદિયા- 7.2, વર્ધા- 7.4, ઔરંગાબાદ- 8.8, પુણે- 9.0, બીડ- 9.9 ડિગ્રી

મુંબઇ : મહારાષ્ટ્રમાં શિતલહેર ફરી વળી છે. અત્યંત ટાઢોબોળ માહોલ શરૂ થયો છે. આજે મહારાષ્ટ્રનાં ૧૭ સ્થળોએ લઘુત્તમ તાપમાન ૧૦.૦ અને ૧૦.૦ ડિગ્રી કરતાં ઓછું નોંધાયું હોવાના સમાચાર મળે છે.

આજે મુંબઈઆમાં પણ લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતાએ મહારાષ્ટારનાં આઠ (૮) સ્થળો માટે આવતા ૨૪ કલાક માટે કોલ્ડવેવ (ઠંડીનું મોજું)ની ચેતવણી જારી કરી છે. સાથોસાથ નાગરિકોએ સાવધ રહેવાની ખાસ માર્ગદર્શિકા પણ જારી કરી છે. હવામાન ખાતાએ ૨૦૨૪- ૨૫ના શિયાળામાં ડિસેમ્બરમાં જ રાજ્યમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરી છે ત્યારે હજી આવતા દિવસોમાં કદાચ શિયાળો બરફીલો રહેવાના સંકેત પણ મળે છે.

ગઈકાલે ૧૪, ડિસેમ્બરે પણ હવામાન વિભાગે વિદર્ભનાં નાગપુર, વર્ધા, ગોંદિયા એમ ત્રણ શહેરમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરી હતી. હવામાન વિભાગ (મુંબઈ કેન્દ્ર)નાં ડાયરેક્ટર સુષમા નાયકે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આવતા ૨૪ કલાક માટે મહારાષ્ટ્રનાં જળગાંવ, અહિલ્યાનગર, પુણે (પુણે ઘાટ), સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, ગોંદિયા, એમ કુલ આઠ શહેરમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આ તમામ સ્થળોએ છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ૧૦.૦ ડિગ્રી કરતાં પણ નીચો રહ્યો છે. હજી પણ આવતા ૨૪ કલાક દરમિયાન આ તમામ આઠ સ્થળોએ ઠંડીનો પારો ૧૦.૦ ડિગ્રી કરતાં પણ નીચો રહેવાની શક્યતા હોવાથી કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

સાથોસાથ આ તમામ આઠ શહેરોનાં નાગરિકોને અસહ્ય- ઠંડા વાતાવરણથી સાવધ રહેવાની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. હાલ ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર એન્ટિ સાયકલોનિક સકર્યુલેશનની તીવ્ર અસર છે. એન્ટિ સાયકલોનિક સકર્યુલેશનની તીવ્ર અસર ગઈકાલે ૧૪, ડિસેમ્બરે ગુજરાત પર રહી હતી. જે પરિબળ આજે ૧૫ ડિસેમ્બરે મહારાષ્ટ્ર તરફ સરક્યું છે. ઉપરાંત હાલ આખા ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ તીવ્ર અસર છે.

આ બંને કુદરતી પરિબળની ભારે વ્યાપક અસરથી લઘુત્તમ તાપમાનનો પારો ૧૦.૦૦ અને ૧૦.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અત્યંત ઠંડોગાર રહ્યો છે. એન્ટિ સાયકલોનિક સકર્યુલેશનને કારણે ઉનાળામાં અત્યંત ગરમી વધે, જ્યારે શિયાળામાં માહોલ અતિ ઠંડો બની જાય.

જોકે આવતા ત્રણ- ચાર દિવસ બાદ મહારાષ્ટ્રમાં ઠંડીમાં રાહત રહેવાની પણ શક્યતા છે.

આજે મુંબઈમાં પણ લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી (સાંતાક્રુઝ) નોંધાયું હતું. જે ગઈકાલ, શનિવારના લઘુત્તમ તાપમાન ૨૦.૧ ડિગ્રી કરતાં ૩.૮ ડિગ્રી ઓછું રહ્યું છે. મુંબઈમાં આવતા ૪૮ કલાક દરમિયાન પણ આવું જ ખુશનુમા વાતાવરણ રહેવાનો સંકેત છે.

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૩ અને લઘુત્તમ તાપમાન ૨૨.૪ ડિગ્રી, જ્યારે સાતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૫.૪ અને લઘુત્તામ તાપમાન ૧૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મુંબઈ આજે ૩૫.૪ ડિગ્રી સાથે આખા રાજ્યમાં સૌથી હોટ રહ્યું છે.

આજે મહારાષ્ટ્રનાં અહમદનગરમાં ઠંડીનો પારો ૬.૪ ડિગ્રી સેલ્સિયસ (આખા મહારાષ્ટ્રમાં સૌથી ઠંડુ) નોંધાયો હતો. નાગપુર- ૭.૦, ગોંદિયા- ૭.૨, વર્ધા- ૭.૪, ઔરંગાબાદ- ૮.૮, પરભણી- ૮.૬, જળગાંવ- ૭.૯, પૂણે- ૯, નંદુરબાર- ૯.૪, બીડ- ૯.૯, અકોલા- ૯.૬, બ્રહ્મપુરી- ૯.૬, માલેગાંવ- ૧૦.૪, નાશિક- ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

આજે મુંબઈ ૩૫.૪ (મહત્તમ તાપમાન) ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રમાં સૌથી હોટ જ્યારે અહમદનગર ૬.૪ ડિગ્રી (લઘુત્તમ તામપાન) સાથ આખા રાજ્યમા સૌથી કુલ સ્થળ રહ્યું હતું.



Google NewsGoogle News