અંધેરીમાં નકલી પરમિટોના આધારે સોસાયટીઓમાં કોકટેલ પાર્ટીઓ
એક્સાઈઝ એજન્ટના સ્વાંગમાં નકલી પરમિટોની લ્હાણી કરનારા સામે કેસ
પોશ સોસાયટીઓમાં ફેબુ્રઆરીથી ડિસેમ્બર વચ્ચે અનેક પાર્ટીઓ થઈ ગઈ, સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાનો ગુનો દાખલ
મુંબઈ : મુંબઈના અંધેરીની પોશ સોસાયટીઓમાં નકલી પરમિટના આધારે અનેક કોકટેલ પાર્ટીઓ યોજાઈ ગઈ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. એક્સાઈઝ વિભાગનો એજન્ટ હોવાનો દાવો કરનારા શખ્સ દ્વારા આ સોસાયટીઓના રહીશોને નકલી પરમિટ પધરાવવામાં આવી હોવાનું એક્સાઈઝ વિભાગની તપાસમાં બહાર આવ્યું છે.
એક્સાઈઝ વિભાગને જાણ થઈ હતી કે ગત ફેબુ્રઆરીથી ડિસેમ્બર વચ્ચે આ સોસાયટીઓમાં આઠ પાર્ટીઓ થઈ હતી. આ તમામ પાર્ટીઓ એક દિવસની નકલી પરમિટના આધારે થઈ હતી. આ સંદર્ભમાં એક્સાઈઝ વિભાગના અધિકારીઓ દ્વારા સરકાર સાથે છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજો ઊભા કરવા બદલ આ શખ્સ સામે ઓશિવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એક્સાઈઝ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે અંધેરી અને જોગેશ્વરી વિસ્તારોની અનેક હાઈફાઈ સોસાયટીઓમાં રહીશોને નકલી એક દિવસીય પરમિટ અપાઈ રહી છે અને તેના આધારે પાર્ટીઓમાં દારુની છોળો ઉડી રહી છે.
વિભાગે તપાસ કરતાં અંધેરી-મલાડ લિંક રોડ પરની વિન્ડસર ગ્રાન્ડ નામની એક બિલ્ડિંગના કેટલાક રહીશોને આવી નકલી પરમિટ પધરાવવામાં આવી હોવાની જાણ થઈ હતી.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે વિનય નામનો એક શખ્સ આ સોસાયટીઓના લોકોનો સંપર્ક કરતો હતો અને પોતે એક્સાઈઝ વિભાગનો એજન્ટ છે અને પરમિટ અપાવી દેવાનું કામ કરે છે તેવો દાવો કરતો હતો. તેણે આ રહીશો પાસેથી પૈસા લઈ નકલી પરમિટો આપી હતી. જોકે, સોસાયટીઓના રહીશોએ પોતાની પાસે અસલી પરમિટો જ છે તેમ માનીને દારુની પાર્ટીઓ પણ યોજી દીધી હતી.
એક્સાઈઝ વિભાગ અને પોલીસ હજુ આવી નકલી પરમિટોના આધારે ક્યાં ક્યાં પાર્ટીઓ યોજાઈ છે તેની તપાસ કરી રહ્યાં છે.