વંદે ભારતમાં દાળમાં વંદો મળ્યો, પેન્ટ્રીમાં ડસ્ટબીનની બાજુમાં જ રસોઈ
શિર્ડીથી મુંબઈ ટ્રેનમાં પ્રવાસીઓ હેબતાઈ ગયા
પેન્ટ્રીમાં ચોમેર વંદાઓનું સામ્રાજ્ય, પ્રવાસીઓને બગડેલું દહીં અપાયું, મોંઘીદાટ ટિકિટ પછી પણ યાત્રીઓની જિંદગી સાથે ચેડાં
મુંબઇ : શિર્ડીથી મુંબઇ ૧૯મી ઓગસ્ટે વંદે ભારતમાં જઇ રહેલા એક પરિવારને બગડેલું ભોજન મળતા ફરિયાદ કરવામાં આવી હતી. દાળમાં જીવંત વાંદો હતો, અન્ય વાનગીમાં મૃત વાંદો અને દહીં પણ વાસી મળી આવતા પ્રવાસીએ આઇઆરસીટીસીને ફરિયાદ કરી હતી.
પ્રવાસીએ પેન્ટ્રીમાં તપાસ કરતા આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. કચરાટોપલીની બાજુમાં રાંધવાનું ચાલી રહ્યું હતું અને ત્યાં સંખ્યા બંધ વાંદા ફરતા જોવા મળ્યા હતા. પ્રવાસીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો અને પરિવારને થયેલા કડવો અનુભવ જણાવ્યો હતો.
મુંબઇના અંધેરીમાં રહેતા પ્રવાસીએ કહ્યું કે મારી બેન સાથે આ ઘટના બની હતી. તેની દાળમાં વાંદો જોયો હતો. અમે તરત જ ટિકિટ ચેકરને અને કેટરિંગ મેનેજરને બોલાવ્યા હતા. તેમની પાસેથી દાળમાં વાંદો હતો તે બાબતની પુષ્ટિ અપાવી હતી. પ્રવાસીને દહીં પણ બગડેલું મળ્યુ ંહતું.
તેણે વધુમાં દાવો કર્યો હતો કે અમે જ્યારે પેન્ટ્રીમાં ગયા ત્યારે અમે જોયું કે ડસ્ટબિનની બાજુમાં ભોજન બનાવવામાં આવી રહ્યું હતું અને ઠેર ઠેર વાંદા ફરી રહ્યા હતા.તેને મળેલું દહીં ૪થી ૫ દિવસ વાસી હતું, વધુ પડતું ખાટું હતું અને બગડી ગયું હોય તેવું જણાતું હતું. સમગ્ર સીફાઇવમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને આવું ભોજન મળ્યું હતું. પ્રવાસીઓનું કહેવું હતું કે એક અન્ય વાનગીમાં મૃત વાંદો મળ્યો હતો.
ફરિયાદીના પુત્રનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે મેં દહીનું બીજુ પેકેટ મંગાવ્યું હતું અને ચાર પેકેટ ખોલ્યા હતા હું દહીં ખાય શક્યોન હતો. મારા માસીએ મને કહ્યું કે દાળમાં વાંદો છે ત્યારે હું દાળ ખાઇ રહ્યો હતો. આવું જ ભોજન મારા ૮૦ વર્ષીય દાદાએ પણ ખાધુ હતું. શું તે આવું બગડેલું ભોજન ખાઇ શકે છે?
સર્વિસ પ્રોવાઇડર સામે પગલાં ભરવામાં આવશે તેવી ખાત્રી આઇઆરસીટીસીએ તેને આપી હતી તેવું તેણે કહ્યું હતું. પ્રવાસીનો વીડિયો વાઇરલ થતા સોશિયલ મીડિયા યુઝર્સના વિવિધ પ્રતિભાવ આવ્યા હતા. યૂઝરે વ્યંગમાં કહ્યું કે ''તમને ફ્રીમાં પોર્ટીન મળી રહ્યું છે અને ફરિયાદ કરો છો!'' બીજા યૂઝરે કહ્યુે તમને થોડો પ્રોટીન ફાઇબર યુક્ત મસાલો દાળમાં મળ્યો અને તેમાં આઘાત લાગવો કે બૂમાબૂમ કરવાનો સવાલ નથી.