Get The App

રત્નાગિરીના દરિયામાં ડૂબતા જહાજમાંથી 19 કર્મચારીઓને કોસ્ટગાર્ડે બચાવ્યા

Updated: Sep 16th, 2022


Google NewsGoogle News
રત્નાગિરીના દરિયામાં ડૂબતા જહાજમાંથી 19 કર્મચારીઓને કોસ્ટગાર્ડે બચાવ્યા 1 - image


યુએઈથી ટેન્કર મેંગ્લોર જઈ રહેલાં ટેન્કરમાં પાણી ભરાવા માંડયું

2 જહાજ અને એક હેલિકોપ્ટરની મદદથી બચાવકાર્ય પાર પાડવામાં આવ્યું

મુંબઇ : રત્નાગિરીના દરિયામાં આજે સવારે સાડાનવ વાગ્યાના સુમારે પાણી ભરાવાથી ડૂબવા માંડેલા જહાજ (મોટર ટેન્કર) 'પાર્થ'ના તમામ ૧૯ કર્મચારીઓને કોસ્ટગાર્ડે હેમખેમ ઉગાલી લીધા હતા. જહાજના કર્મચારીઓમાં ૧૮ ભારતીય અને એક ઇથિયોપિયન નાગરિકનો સમાવેશ થાય છે.

સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ના ખોર-ફાકન બંદરેથી અલ્ફાલ્ટ બીટુમેન ભરીને ન્યુ મેંગ્લોર બંદરે જઈ રહેલું આ ટેન્કર-શિપ રત્નાગિરીના કિનારાથી ૪૧ માઇલના અંતરે પહોંચ્યું ત્યારે તેમાં ઝડપથી પાણી ભરાવા માંડયું હતું. તરત જ જહાજ પરથી બચાવ માટેનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

મુંબઈના રેસ્ક્યૂ કોઓર્ડિનેશન કન્ટ્રોલ રૃમને આ સંદેશ મળતાની સાથે જ તરત જ કોસ્ટગાર્ડને જહાજ કરવામાં આવી હતી. આ એરિયામાં પેટ્રોલિંગ કરતા બે જહાજ આઇસીજીએસ સુજિત અને આઇસીજીએસ અપૂર્વને રત્નાગિરી તરફ વાળવામાં આવ્યા હતા અને એક હેલિકોપ્ટર પણ રવાના કરવામાં આવ્યું હતું. બે જહાજ અને એક હેલિકોપ્ટરની મદદથી તમામ ૧૯ ક્રૂ મેમ્બરને સહીસલામત ઉતારી લેવામાં આવ્યા હતા.

મધદરિયે ત્યજી દેવાયેલા આ જહાજમાંથી ઓઇલ ઢોળાવાથી પોલ્યુશન ફેલાતું અટકાવવા માટે શિપના માલિકને તત્કાળ પગલાં લેવાની તાકીદ કરવામાં આવી છે. ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગના નિર્દેશ હેઠળ મધદરિયેથી આ જહાજને કિનારે ખેંચી લાવવા માટે ઇમર્જન્સી ટોઇંગ વેસલ ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યું છે.

કોસ્ટગાર્ડ તરફથી અત્યાર સુધીમાં ૧૧ હજારને બચાવવામાં આવ્યા છે

સાગરી સીમાડાની હિફાઝલ કરવાની સાથે દરિયામાં અકસ્માત વખતે તરત જ કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર પહોંચી જાય છે. કોસ્ટગાર્ડની ૧૯૭૮માં રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેણે ૧૧ હજાર લોકોના જીવ બચાવ્યા છે.



Google NewsGoogle News