કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રકાંઠે ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરાશે
ડ્રગ તસ્કરી અને ઘૂસણખોરી ડામવા ડ્રોનનો ઉપયોગ
કોસ્ટગાર્ડ-ડે નિમિત્તે બાઇક રેલી મુંબઈ પહોંચી
મુંબઈ - દરિયાઈ માર્ગે થતી કેફી દ્રવ્યોની દાણચોરી અને ઘૂસણખોરી અટકાયત માટે કોસ્ટગાર્ડે દરિયા કિનારા વિસ્તારો ઉપર ડ્રોનની મદદથી ચાંપતી નજર રાખવાનો નિર્ણય કર્યો છે.
દેશના દરિયા કિનારા વિસ્તારમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા કોસ્ટગાર્ડના પશ્ચિમ વિભાગના કમાન્ડન્ટ ભીષ્ણ શર્માએ શનિવારે કોસ્ટગાર્ડ-ડેની ઉજવણી પૂર્વસંધ્યાએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ દ્વારા છેલ્લાં એક વર્ષ દરમિયાન ૩૨ હજાર કરોડની કિંમતનું છ હજાર કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.
દરમિયાન આજે કોસ્ટગાર્ડ-ડે નિમિત્તે કોસ્ટગાર્ડના ૨૨ જવાનોની બાઇકરેલી મુંબઈના ગેટ-વે ઓફ ઇન્ડિયા પર આવી પહોંચી હતી. ૨૨મી જાન્યુઆરીએ ભારત-પાકિસ્તાનની અટારી બોર્ડરથી બાઇક રેલીની શરૃઆત થઈ હતી.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી છેલ્લા એક વર્ષ દરમિયાન બજાવવામાં આવેલી કામગીરીની વિગત આપતા પશ્ચિમ વિભાગના કમાન્ડન્ટ ભીષ્મ શર્માએ જણાવ્યું હતું કે ૧૬૦૦ બોટને તાબામાં લેવામાં આવી હતી તેમ જ વધુમાં વધુ સોમાલિયાના ચાંચિયા સહિત ઘૂસણખોરી તેમ જ તસ્કરીનો પ્રયાસ કરતા ૧૩ હજાર શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.
તટરક્ષક દળ પાસે ૩૯ ડોર્નિયર એરક્રાફ્ટ, ૧૯ ચેતક હેલિકોપ્ટર, ૧૮ એએલએચ હેલિકોપ્ટર તેમ જ સ્પીડ બોટ અને કોસ્ટ ગાર્ડ શિપનો મોટો કાફલો છે. આની મદદથી સાગરતટ વિસ્તાર પર સતત જાપ્તો રાખવામાં આવ્યો છે.