5 દિવસથી મધદરિયે ફસાયેલા માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા
પાણી અને ખાવાનું પણ ખૂટી ગયું હતું
દસ માછીમારોની બોટનું એન્જિન બગડયું હતું : 36 કલાકે રત્નાગિરી પહોંચાડવામાં આવ્યા
મુંબઇ : મુંબઇના કિનારાથી સવાસો નોટીકલ માઇલ દૂર મધદરિયે ફિશિંગ બોટ ખોટવાતા છેલ્લાં પાંચ દિવસથી ફસાયેલા દસ માછીમારોને કોસ્ટગાર્ડના સ્પીડબોટે હેમખેમ ઉગારી લીધા હતા.
કોસ્ટગાર્ડની આ સ્પીડ-બોટ આઇ.સી.જી. અપૂર્વ મધદરિયે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક મર્ચન્ટશિપ તરફથી મેસેજ આપવામાં આવ્યો હતો કે એક મછવો દરિયામાં અટવાયો છે અને મદદની જરૃર છે. તરત જ કોસ્ટગાર્ડની બોટે મછવાની શોધખોળ શરૃ કરી હતી.
છ-સાત કલાક શોધખોળ કર્યા પછી 'રિજોયોન' નામનો ફિશિંગ બોટનો પત્તો લાગ્યો હતો. કોસ્ટગાર્ડના જવાનો બોટમાં પ્રવેશ્યા હતા અને જોયું તો બોટનું એન્જિન બગડી ગયું હોવાથી દસ માછીમારો અટવાઇ ગયા હતા. બોટમાં પાણી અને ખાવાનું પણ લગભગ ખૂટી ગયું હતું.
કોસ્ટગાર્ડ તાત્કાલિક મછવાનું એન્જિન રિપેર કર્યું હતું. ત્યાર પછી બોટ સાથે આ મછવાને બાંધીને ૩૬ કલાકે રત્નાગિરીના કિનારે પહોંચાડયો હતો.