અસલી શિવસેના કોણ ? દશેરા રેલીમાં શિંદે-ઉદ્ધવ જૂથનું શક્તિ પ્રદર્શન, બન્નેના એકબીજા પર પ્રહાર
Dussehra Rally in Maharashtra : દશેરા પર મુંબઈના આઝાદ મેદાનમાં એકનાથ શિંદે જૂથની શિવસેના દ્વારા દશેરા રેલીનું આયોજન કરાયું હતું જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવામાં આવી. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ એકબીજા પર પ્રહાર કર્યા હતા.
હું કટ્ટર શિવસૈનિક છું : મુખ્યમંત્રી એકનાથ શિંદે
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રતન ટાટાને શ્રદ્ધાજંલિની સાથે ભાષણ શરુ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'અમને ખુદને હિન્દુ કહેવામાં ગર્વ અનુભવાય છે. પરંતુ કેટલાક લોકોને શરમ આવે છે, અમે આ શિવસેનાને આઝાદ કરાવી, આ આઝાદ શિવ સૈનિકોની આઝાદ શિવસેના છે. પહેલા સૌને લાગી રહ્યું હતું કે શિંદે સરકાર 2-3 મહિનામાં તૂટી જશે પરંતુ સરકારે 2 વર્ષ પૂરા કરી લીધા. જો (મહા વિકાસ અઘાડી) સરકાર ના હટી હોત તો મહારાષ્ટ્ર ખૂબ પાછળ રહી ગયું હોત.'
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દશેરા રેલીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે, 'તમે શિવસેનાનો ભગવો રંગ બદલવાનો પ્રયાસ કર્યો. બાલા સાહેબના તમામ સપના જો કોઈએ પૂરા કર્યા તો તે વડાપ્રધાન મોદીએ કર્યા. હું ભાગેડું નથી, કટ્ટર શિવસૈનિક છું, કટ્ટર શિવસૈનિક મેદાન નથી છોડતા.'
આ પણ વાંચો : હરિયાણામાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઍલર્ટ: નેતાઓને આપી ખાસ સૂચના
મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, 'અમે પ્રોજેક્ટ લાવવા માટે દિલ્હી જઈએ છીએ, હું તમારી જેમ મુખ્યમંત્રી બનવા માટે કહેવા નથી જતો. વડાપ્રધાને મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો. તે દિવસે આશાતાઈએ સરકારની ગરીબોની મદદની યોજનાના વખાણ પણ કર્યા. આ કોની શિવસેનાએ નક્કી કર્યું છે, લોકસભામાં અમે 13 બેઠકો પર આમને સામને લડી રહ્યા છીએ, 7 બેઠકો પર અમારી જીત થઈ છે.'
શિવ સૈનિક મારા શસ્ત્ર છે, હું તેમના માટે પૂજા કરી રહ્યો છું : ઉદ્ધવ ઠાકરે
શિવાજી પાર્કમાં દશેરા રેલીમાં શિવસેના UTB પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે, 'દશેરા પર સૌ કોઈ શસ્ત્ર પૂજા કરે છે. આપ સૌ શિવસૈનિકો મારા શસ્ત્ર છો. એટલા માટે, હું તમારા માટે પૂજા કરી રહ્યો છું. દિલ્હીવાળા અબ્દાલીના દીકરા મને નબળો પાડવા માંગતા હતા, પરંતુ આપ સૌ માં જગદંબાની જેમ મારી સાથે ઊભા રહ્યા અને મને તાકાત આપી.'
તેમણે દિવંગત રતન ટાટાને યાદ કરતાં કહ્યું કે, 'રતન ટાટા એકવાર અમારા પરિવારને મળ્યા માતોશ્રી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે જેઆરડી ટાટાએ પોતાની વિરાસતને આગળ વધારવા માટે પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કર્યા હતા. તેમણે મને કહ્યું હતું કે બાલા સાહેબ ઠાકરેને પણ તમારા પર એટલો જ ભરોસો હતો જેટલો મારા પર જેઆરડી ટાટાનો હતો. ત્યારે તેમણે મને શિવસેનાની કમાન સોંપી. ટાટાએ આપણા દેશને મીઠું આપ્યું, પરંતુ કેટલાક લોકો હવે મીઠાંનું વાસણ છીનવી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે આવી રીતે જમીન હડપનારાઓને ચાલ્યું જવું હતું, પરંતુ રતન ટાટાએ હમણાં નહોતું જવું. અમે અસલી શિવસેના છીએ અને બાલા સાહેબ ઠાકરેનું નામ મારી સાથે છે.'
અસલી શિવસેના અમારી : આદિત્ય ઠાકરે
ઠાકરે પરિવારના ઇતિહાસમાં આદિત્ય ઠાકરેએ પહેલીવાર છત્રપતિ શિવાજી પાર્કના મેદાનમાં ભાષણ આપ્યું. આદિત્ય ઠાકરેએ ભાષણ દરમિયાન કહ્યું કે, 'અસલી શિવસેના અમારી છે. મને ગર્વ છે કે આ પાર્ટીનું નામ મારા પિતા ઉદ્ધવ અને મારા દાદા બાલાસાહેબ ઠાકરેના નામ પર રખાયું છે. આ (મહાગઠબંધન સરકાર) સરકારમાં માત્ર ભ્રષ્ટાચાર કરે છે. તમારે સૌએ તેને રોકવાનો છે અને અમને મત આપીને મહારાષ્ટ્રની તાકાત બતાવવાની છે.'