ઈડીના નામે ખંડણીના જિતેન્દ્ર નવલાણી સામેના કેસમાં એસીબી દ્વારા ક્લોઝર
આદલતે એસીસીબીના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધોે
સંજય રાઉતની ફરિયાદના આધારે કેસ થયો હતો પણ કોઈ કંપનીએ ફરિયાદ કરી ન હતી અને રાઉતે પણ કોઈ પુરાવા આપ્યા નહિ
મુંબઈ : વિવિધ ખાનગી કંપનીઓ પાસેથી રૃ. ૫૮ કરોડથી વધુની કથિત ખંડણી માગવાના ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા જિતેન્દ્ર નવલાની સામેના ભ્રષ્ટાચારના કેસમાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ દાખલ કરેલા ક્લોઝર રિપોર્ટને વિશેષ કોર્ટે સ્વીકારી લીધો છે.
શિવસેનાના ઉદ્ધવ જૂથના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કરેલી ફરિયાદને આધારે આ કેસ એપ્રિલ ૨૦૨૨માં નોંધાયો હતો. ઈડીના અધિકારીઓની મદદથી ખંડણીનું કૌભાંડ ચલાવાતું હોવાનો નવલાની પર આરોપ કરાયો હતો. જોકે એસીબીએ જણાવ્યું હતું કે આ વ્યવહાર સામાન્ય વ્યાવસાયિક સોદા હતા.
ક્લોઝર રિપોર્ટ જાન્યુઆરીમાં ફાઈલ કરાયો હતો જે વિશેષ જજ નાંદગાંવકરે સ્વીકાર્યો છે. વિગતવાર આદેશ હજી આવ્યો નથી. સંકળાયેલી ૩૯માંથી કોઈ ખાનગી કંપનીએ નલવાની સામે ફરિયાદ કરી નથી. ઉપરાંત રાઉતે કથિત ગેરરીતિમાં ઈડીના અધિકારીઓની સંડોવણી અંગે કોઈ માહિતી આપી નથી.
નિષ્પક્ષ અને હેતુસભર તપાસની તકેદારી લેવા માટે કેસ મુંબઈ એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) પાસેથી લઈને સીબીઆઈ જેવી નિષ્પક્ષ તપાસ એજન્સીને સોંપવા માટે ઈડીએ અરજી કરી હતી. એસીબીએ નવલાની સામે પાંચ મેના રોજ કેસ નોંધ્યો હતો.
ઈડીના અધિકારીઓ માટે નવલાનીએ પોતે લાયસન (મધ્યસ્થીકાર) હોવાની ઓળખ આપીને ખાનગી કંપનીઓ પાસેથી ૨૦૧૫થી ૨૦૨૧ દરમ્યાન પૈસા પડાવ્યા હોવાનો આરોપ હતો.
ઈડીએ અરજીમાં જણાવાયું હતું કે ઈડીના અધિકારીઓ દ્વારા ચલાવાઈ રહેલી વિવિધ તપાસને ખોરવવા માટે રાજ્યની યંત્રણા દ્વારા સ્પષ્ટ અને મરણિયો પ્રયાસ તથા બદઈરાદો હોવાની ગંધ એસીબીએ નોંધેલા કેસના સંજોગોને જોઈને આવી રહી છે.
માર્ચમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ કર્યો હતો કે ઈડીના અધિકારીઓ રાજ્યમાં ખંડણીનું રેકેટ ચલાવી રહ્યા છે. ઈડીના અધિકારીઓ અને નવલાનીએ રૃ. સો કરોડથી વધુની ખંડણી બિલ્ડરો અને કોર્પોરેટ ઓફિસો પાસેથી પડાવી હોવાનો પણ દાવો કર્યો હતો. આ સંબંધે રાઉતે વડા પ્રધાનને પત્ર પણ લખ્યો હતો.