વર્ગખંડમાં ધો. 2ની 3 બાળકીઓનું જાતીય શોષણ કરનારા શિક્ષકને 5 વર્ષની કેદ
રત્નાગીરી ગ્રામીણ પોલીસે નોંધેલા કેસમાં સજા બહાલ
બાળકીઓએ આપેલાં નિવેદનને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું : અંગત રાગદ્વૈષથી ફરિયાદની દલીલ કોર્ટે ફગાવી
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં પ્રાથમિક શાળાના શિક્ષકને ક્લાસરૃમમાં ત્રણ સગીર બાળકીઓનું જાતીય શોષણ કરવાના કેસમાં કસૂરવાર ઠેરવતો આદેશ બહાલ કર્યો છે. દુશ્મનીનું વેર વાળવા માટે ખોટી રીતે સેડોવણી કરવામાં આવી હોવાની બચાવ પક્ષની દલીલને કોર્ટે ફગાવી હતી. પીડિત બાળકીઓના પુરાવા વિશ્વસનીય હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
સરકારી પક્ષના આરોપ અનુસાર જાધવે પ્રથમિક શાળામાં શિક્ષણ આપવા સાથે બીજા ધોરણમાં ભણતી ત્રણ બાળકીઓ સાથે જાતીય સતામણી કરી હતી. બનાવ ક્લાસરૃમમાં બન્યો હતો જેમાં બાળકીઓને ટેબલ અને જમીન પર સુવડાવ્યા બાદ તેમના ગુપ્તાંગ તથા અન્યત્ર અણછાજતો સ્પર્શ કરાયો હતો.
૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રત્નાગીરી ગ્રામણી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો.જેને પગલે જાધવની ધરપકડ કરવામાં આવી અને આરોપનામું દાખલ કરાયું હતું. સુનાવણી દરમ્યાન એક પીડિતાની માતાએ તેની પુત્રી અને અન્ય બે પીડિત બાળકીઓએ કહેલી ઘટના જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તેની પુત્રીએ જાણ કરી હતી કે તેના શિક્ષકે તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો, પણ શરૃઆતમાં વાત માની નહોતી અને ગેરવર્તન માટે ચેતાવણી આપી હોવાનું માન્યું હતું. બીજા દિવસે બાળકી સ્કૂલે જવાનો ઈનકાર કરતી હતી અને શિક્ષકે તેનું ફ્રોક ઊંચુ કર્યું હતું અને અયોગ્ય સ્પર્શ કર્યો હોવાનું જણાવ્યું હતું. આવું અન્ય બે પીડિતાઓ સાથે પણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
ત્રણે પીડિતાઓએ અત્યાચારની વિગત જણાવી અને એજ સ્કૂલના અન્ય બે છોકરાઓએ પણ જુબાની આપી હતી કે જાધવ તેમને ક્લાસરૃમની બહાર મોકલી દેતો હતો અને છોકરીઓને અંદર બોલાવતો હતો.
રત્નાગીરીના એડિશનલ સેશન્સ જજે ૧૪ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ જાધવને ભારતીય દંડ સંહિતા અને પોક્સો કાયદા હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. તેને કુલ પાંચ વર્ષની સાદી જેલ અને રૃ. ૯૦૦૦ના દંડની સજા ફટકારાઈ હતી. દંડની રકમ પીડિતાને વળતર રૃપે આપવાનો નિર્દેશ અપાયો હતો.
સજા સામે આરોપીએ અપીલ કરી હતી. તેના બચાવમાં જણાવાયું હતું કે બનાવના ૧૫ દિવસ બાદ એફઆઈઆર નોંધાઈ હતી જે દર્શાવે છે કે દુશ્મનાવટને કારણે ખોટી ફરિયાદ કરાઈ છે કેમ કે ફરિયાદી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની પ્રેસિડન્ટ છે. બાળકીઓ શીખવાડેલું બોલી હોવાનું કહીને તેમના નિવેદન પર સવાલ કર્યો હતો.
સરકારી પક્ષે બાળ સાક્ષીદારોના નિવેદન અને ખોટી ફરિયાદના દાવાના સમર્થનમાં પુરાવાના અભાવ પર ભાર મૂક્યો હતો. આરોપીએ બનાવના દિવસે સ્કૂલમાં હાજર હોવાની વાતને નકારી નહોતી.
બાળકીઓના પુરાવા બે છોકરાઓ સહિત અન્ય સાક્ષીદારોના નિવેદનો સાથે સુસંગત હોવાની પણ કોર્ટે નોંધ કરી હતી. ઉલટતપાસમાં મેનેજમેન્ટના વિવાદને કારણે સંડોવણી બતાવાઈ હોવાની દલીલને પણ સમર્થન મળ્યું નહોતું.કોર્ટે અપીલ ફગાવીને નીચલી કોર્ટના આદેશમાં હસ્તક્ષેપની જરૃર નહોવાનું નોંધ્યું હતુ.