અકોલામાં 2 જૂથો વચ્ચે અથડામણ રસ્તા પર આગચંપી અને પથ્થરમારો
અમરાવતી બાદ હવે અકોલામાં પણ ભડકો
ભીડને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ કરતાં અનેક ઘાયલઃ દુકાનો, વાહન વ્યવહાર બંધ
મુંબઈ : અકોલાના હરિહર પેઠ વિસ્તારમાં આજે સાંજે બે જૂથ વચ્ચે નજીવા કારણથી અથડામણ થતા તંગદિલી સર્જાઈ હતી. રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવ્યા અને પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ભીડને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો.
ા ઘટના બાદ પોલીસ સતર્ક બની ગઈ છે. આ વિસ્તારની દુકાનો અને વાહન વ્યવહાર બંધ હતો. ગત વર્ષે મે મહિનામાં અકોલાના આજ વિસ્તારમાં વિવાદથી પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી.
અકોલાના હરિહર પેઠ ખાતે આજે સાંજે ચાર વાગ્યે રિક્ષાની ટક્કરના લીધે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. ત્યારબાદ મામલો વધુ બિચકતા બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પછી વાહનોને આગ લગાડી દીધી હતી. આગમાં રિક્ષા, ત્રણ બાઈક અને અન્ય વાહનને નુકસાન થયું હતું.
હરિહર પેઠ ખાતે ગાડગે મહારાજની પ્રતિમા પાસે તંગદિલી સર્જાયા બાદ પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આગ બુઝાવવાની અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડયો હોવાનું જાણવા મળ્યું છે. રમખાણના પગલે ઘટનાસ્થળની આસપાસ દુકાનો અને વાહન વ્યવહાર બંધ રાખવો પડયો હતો.
ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં યતિ નરસિંહાનંદ મહારાજ દ્વારા ઈસ્લામ ધર્મ વિરુધ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાને લીધે અમરાવતીમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો.
આ હુમલામાં ૨૧ જવાનો ઘાયલ થયા હતા અને પોલીસના ૧૦ વાહનોની તોડફોડ કરાઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસ છોડયો હતો અને ૧૨૦૦ લોકો સામે કેસ નોંધાયો હતો.