ટોલટેક્સ મુદ્દે તડાફડીઃ મુલુંડમાં ટોલનાકાંને મનસે દ્વારા આગચંપી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ટોલટેક્સ મુદ્દે તડાફડીઃ મુલુંડમાં ટોલનાકાંને મનસે દ્વારા આગચંપી 1 - image


મુંબઈના ટોલનાકાંઓ પર પોલીસનાં ધાડાં ઉતર્યાં 

રાજઠાકરેએ ટોલ પ્લાઝા સળગાવવાની ચિમકી આપ્યાના થોડા સમયમાં જ અમલઃ મનસેના સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત

મુંબઇ :  સરકાર નાના વાહનો માટે ટોલટેક્સ નાબૂદ ન કરે તો ટોલ નાકાં સળગાવી દેવાશે તેવી મનસેના નેતા રાજ ઠાકરેએ ચિમકી આપ્યાના થોડા સમયમાં જ મનસે કાર્યકરોએ મુલુંડ ખાતે ટોલનાકું સળગાવ્યું હતું. ટોલનાકાં ખાતે સેંકડો વાહનોની અવરજવર વચ્ચે ભારે ધમાલ બાદ કેટલાક કાર્યકરોની અટકાયત થઈ હતી. પોલીસ દ્વારા અન્ય ટોલનાકાં પર પણ ધાડેધાડાં ઉતારી દેવાયાં હતાં. 

ાુંબઈમાં પ્રવેશવાના દહીંસર, મુલુંડ, વાશી તથા ઐરોલી નાકાં પર લેવાતાં ટોલ માં ગત તા. પહેલી ઓક્ટોબરથી વધારો લાગુ પાડવામાં આવ્યો છે. આ ટોલનાકાં નાબૂદ કરવાની વારંવારની માગણીને બદલે સરકાર ટોલ ટેક્સમાં વધારો કરી રહી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ટોલ ટેક્સ સામે આક્રોશ છે. 

મુંબઈમાં તો ટોલટેક્સ જ્યાં લેવાય છે ત્યાં આસપાસના રસ્તાઓની હાલત જ ભારે બિસ્માર છે. વાહનચાલકો કચવાતે મને ટોલટેક્સ ચૂકવે છે પરંતુ આ પૈસાથી રસ્તાની ગુણવત્તા સુધારવા કોઈ પગલાં લેવાતાં નથી. 

મનસેના નેતા રાજ ઠાકરેએ થાણેમાં ટોલટેક્સ મુદ્દે આંદોલન પર બેઠેલા પાર્ટી કાર્યકર અવિનાશ જાધવની મુલાકાત લીધા બાદ ટોલટેક્સ સામે આંદોલનનું આહ્વાન કર્યું હતું. આજે તેમણે  જો રાજ્ય સરકાર ખાનગી ફોર વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલ કરશે તો તેમના કાર્યકરો ટોલનાકા સળગાવી દેશે એવી ચિમકી આપી હતી. તેના થોડા સમયમાં જ   મનસેના કાર્યકરોએ મુલુંડનું ટોલનાકુ સળગાવ્યું હતું. આ પ્રકરણે પોલીસે મનસેના કાર્યકર અવિનાશ જાધવની ધરપકડ કરી હતી. જ્યારે દહિંસરના ટોલનાકાથી મનસેના કાર્યકરોને પોલીસે તાબામાં લીધા હતા.

મનસેના કાર્યકરોએ રાજ્યના મોટાભાગના ટોલ નાકા પર આંદોલન છેડયું હતું. મનસેના કાર્યકરો ફોર વ્હીલરનોને ટોલ ભર્યા વગર છોડાવતા હતા. ત્યારબાદ મનસેના કાર્યકરોની ધરપકડ કરવાની શરૃઆત કરી હતી. આથી વાશી અને દહિસર ટોલનાકા પરથી કાર્યકરોને તાબામાં લીધા હતા. મનસેના કાર્યકરોએ મુલુંડ ટોલનાકાને સળગાવ્યું હતું. ત્યા નાકા પરથી કેબીન પર પેટ્રોલ છાંટીને મનસે કાર્યકરોએ તેને સળગાવી દીધું હતું. 

ટોલનાકા સામે વિરોધમાં અન્ય વિપક્ષો પણ નિવેદનબાજી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ ટોલ ટેક્સ વસૂલાતમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં વસૂલાયેલા ટોલનો રાજ્ય સરકાર હિસાબ આવે તેવી માગણી તેણે કરી હતી.



Google NewsGoogle News