બોરવેલના પાણીના વપરાશ અંગે હાઉસિંગ સોસાયટીઓને નોટિસ મુદ્દે સ્પષ્ટતાની માંગ
- સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીએ નોટિસો આપતાં વિવાદ
- સ્થાનિક આથોરિટીને વેરો ચૂકવતા હોવા છતાં નવેસરથી પરવાનગી અને રજિસ્ટ્રેશન ફી અંગે સવાલ સાથે સોસાયટીઓના ફેડરેશનની સરકારમાં ધા
મંંુબઈ : ઉનાળા પૂર્વે પીવા, ઘર વપરાશ, વ્યાવસાયિક કે તરણહોજ માટે પાતાળનું પાણી ઉલેચવાની નવેસરની પરવાનગી અને રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી સંબંધે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (સીજીડબ્લ્યુએ) દ્વારા અપાયેલી નોટિસ પર સ્પષ્ટતા માગવા મહારાષ્ટ્ર સ્ટેટ હાઉસિંગ ફેડરેશનના સભ્યોએ રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે.
હાઉસિંગ સોસાયટીઓ સ્થાનિક ઓથોરિટીને પાણી વેરો ચૂકવી રહી હોવાથી વધારાની રકમ આપવાનો તેમણે વિરોધ કર્યો છે. ફેડરેશનના ચેરમેન સુહાસ પટવર્ધને જણાવ્યા અનુસાર હાઉસિંહ સોસાયટી પાણી વેરો ભરી રહી છે. હાઉસિંગ સોસાયટી દ્વારા વપરાતાં કેટલાંક બોરવેલ પણ સૂકાઈ ગયા છે. આથી આ બાબતે સ્પષ્ટતા કરાશે નહીં અને રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી સંબંધે સીધો સંપર્ક કરાશે નહીં, ત્યાં સુધી વધારાની રકમ ચૂકવાશે નહીં.
ફેડરેશને અગાઉ દરેક જિલ્લામાં બોરવેલના પાણીનો વપારશ પર સભ્યો પાસેથી માહિતી અકેઠી કરવામાં મદદ કરવાનું જણાવ્યું હતું જોકે રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી સંબંધી કોઈ સ્પષ્ટતા નહોવાથી તેમણે સર્વેક્ષણ હાથ ધર્યું નહોતું, એમ સભ્યોએ જણાવ્યું હતું.
સીજીડબ્લ્યુએ યોગ્ય સર્વે કરશે નહીં અને ચૂકવણી સંબંધી સ્પષ્ટતા કરશે નહીં ત્યાં સુધી નોટિસ જારી કરવી કે દંડ લાદવાનો અર્થ નથી, એમ નિવૃત્ત અધિકારીએ જણાવ્યું હતું.
સીજીડબ્લ્યુએની પબ્લિક નોટિસમાં જૂની અને નવી હાઉસિંગ સોસાયટીઓ તેમ જ શહેરી વિસ્તારના રહેણાંક મકાનોને બોરવેલના પાણીના વપરાશ માટે રજિસ્ટર કરવા જણાવ્યું છે. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે બોરવેલનું પાણી વાપરીને રૂ. દસ હજારની એક વખતની રજિસ્ટ્રેશન ફી નહીં ચૂકવનારી હાઉસિંગ સોસાયટીઓ સામે કડક પગલાં લેવાશે.