સુપ્રીમ કોર્ટની વકીલ હોવાનો દાવો કરી મહિલાએ બિલ્ડર પાસેથી લાખો પડાવ્યા

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટની વકીલ હોવાનો દાવો કરી મહિલાએ બિલ્ડર પાસેથી લાખો પડાવ્યા 1 - image


પૂનમ ખન્ના સામે વકીલ હોવાના નામે ઠગાઈના 11 કેસ

કાયદાની સ્નાતક નહીં હોવા છતાં વકીલ હોવાના નામે ઠગાઈ કરી કાનૂની વ્યવસાયને લાંછન લગાડનારી મહિલાને જામીનનો ઈનકાર

મુંબઈ :  સુપ્રીમ કોર્ટની વકીલ  હોવાની ઓળખ આપીને કેસમાં કાનૂની સહાયતા કરવાનો દાવો કરીને બિલ્ડર સાથે લાખો રૃપિયાની ઠગાઈ કરવાના કેસમાં મહિલાને સેશન્સ કોર્ટે જામીન નકાર્યા છે.એડિશનલ સેશન્સ જજ વી.એમ. સુંદળેએ નિરીક્ષણ કર્યું હતું કે મહિલા કાયદાની સ્નાતક નથી અને અનેક લોકોને પોતે વકીલ હોવાની ખોટી ઓળખ આપીને ઠગ્યા છે.

અરજદારે નાગરિકો સાથે ઠગાઈ કરી છે એટલું જ નહીં પણ ઉમદા કાનૂની વ્યવસાયનો અનાદર કરવાનો પ્રયાસ પણ કર્યો છે. ગુનો ગંભીર છે અને પુરતા પ્રથમદર્શી પુરાવા પણ છે. સાક્ષીદારો પર દબાણ લવાશે અને ન્યાયથી દૂર ભાગવાની કોશિશ કરાશે એવી સરકારી પક્ષની ચિંતામાં તથ્ય છે. હકીકતમાં આ સોજોગોમાં અરજદારને જામીન આપવા યોગ્ય નથી. આથી આદેશ આપવામાં આવતો હોવાનું કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.

આરોપી પૂનમ  ખન્નાએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેટળ ઠગાઈનો ગુનો નોંધાયો હતો.

સરકારી કેસ અનુસાર ૨૦૧૯માં અશોક મોહનાનીઅ સિટી સિવિલ કોર્ટમાં બે કેસમાં કાનૂની પ્રતિનિધિત્વ કરવાની દાદ માગી હતી. તેના મિત્રે તેને પૂનમ ખન્ના સાથે મેળવી આપ્યો હતો. પૂનમ ખન્નાએ પોતે સુપ્રીમ કોર્ટની વકીલ  હોવાનું અને તેને કેસમાં મદદ કરશે એવો દાવો કર્યો હતો. ખન્નાએ કાનૂની ફી પેટે રૃ. ૧૫ લાખ માગ્યા હતા અને બિલ્ડરે રૃ. ૧૦ લાખ એડવાન્સ આપ્યા હતા.

એક કેસમાં મોહનાનીને ગામમાં બાંધકામમાં મુશ્કેલી આવતી હતી. પૂનમ  ખન્નાએ રૃ. ત્રણ કરોડ માગ્યા અને ૫૦ ટકા એડવાન્સ આપવાની વાત કરી હતી. ચર્ચા બાદ મોહનાની અને અન્ય બિલ્ડરોએ રૃ. ૨.૧૧ કરોડ તરત આપવાની તૈયારી બતાવી હતી. થોડા દિવસ બાદ પૂનમ ખન્નાને કથિત રીતે રૃ. ૭૧ લાખ મળ્યા હતા.

જોકે પૂન ખન્નાએ કોઈ કામ કર્યું નહોતું કે કોઈ કાનૂની કાર્યવાહી શરૃ કરી નહોવાનું જણાયું નથી. તપાસમાં જમાયું હતું કે તે કોઈ વકીલ  નથી અને અન્ય અનેક લોકોને આ રીતે છેતર્યા છે. આથી મોહનાનીએ  પૂનમ ખન્ના સામે પોલીસ ફરિયાદ ક રી હતી. 

સરકારી વકીલે દલીલ કરી હતી કે કુલ ૧૧ કેસ પૂન ખન્ના સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. તપાસમાં પૂનમ ખન્નાએ ખોટા રહેણાંક સરનામાં આપ્યાનું જણાયું છે. કોર્ટે એમ પણ નોધ કરી હતી કે મહિલાની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.

હરિયાણામાં પણ આવા કેસ નોંધાયા છે. અરજદારને કાયમી રહેઠાણ પણ નથી. તેણે ખોટા સરનામા આપ્યા હોવાની પણ કોર્ટે નોંધ કરીને જામીન અરજી ફગાવી હતી.



Google NewsGoogle News