માત્ર 16 ટકા પાણી છતાં મુંબઈમાં 31મી જુલાઈ સુધી કાપ નહી આવે તેવો દાવો
જળાશયોમાં ઘટતા જતા જથ્થા વચ્ચે મહાપાલિકાની સમીક્ષા બેઠક
જોકે, પાલિકાની દબાયેલા સૂરે કબૂલાતઃ સમયસર વરસાદ શરુ થશે તો વાંધો નહિ આવે, ખેંચાશે તો કાપ આવી શકે
મુંબઇ : મુંબઈને પાણી પુરું પાડતાં જળાશયોમાં હાલ ૧૬ જ ટકા જથ્થો બચ્યો હોવા છતાં ૩૧મી જુલાઈ સુધી કોઈ કાપ નહીં ઓવે તેમ મહાપાલિકા દ્વારા જણાવાયું છે. મહાપાલિકાના પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુરવઠાની સ્થિતિ તથા વિતરણ સંબંધી બાબતોની સમીક્ષા કરવામાં આવ્યા બાદ આ ખાતરી ઉચ્ચારવામાં આવી હતી. જોકે, પાલિકાના અધિકારીઓ દબાયેલા સૂરે એમ ઉચ્ચારી રહ્યા છે કે આ બધી ખાતરીઓ એવી માન્યતાના આધારે જ છે કે શહેરમાં ચોમાસાંનો વરસાદ એકદમ સમયસર શરુ થઈ જશે. જો વરસાદ ખેંચાય તો પાણી કાપ બાબતે વિચારવું પડી શકે છે.
પાલિકા કમિશનર અને એડમિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીનાં વડપણ હેઠળ આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમાં માહિતી અપાઈ હતી કે મુંબઇ પાણી પૂરુ પાડતાં સાત જળાશયોમાં મોડકસાગર, તુલસી, તાનસા, વિહાર, ભાતસા, અપર વૈતરણા તથા મિડલ વૈતરણામાં કુલ મળી ૨૩૮૫૫૨ મિલિયન લીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે વાર્ષિક જળાશયોમાં ટાર્ગેટ ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટરના ટાર્ગેટની સરખામણીમાં માત્ર ૧૬.૮ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ સરકારે ભાતસા જળાશયમાંથી ૧,૩૭,૦૦૦ મિલિયન લીટર અને અપર વૈતરણા જળાશયમાંથી ૯૧,૧૩૦ મિલિયન લીટર રિઝર્વ ક્વોટામાંથી પાણી લેવાની પરવાનગી આપી છે. પાણી વિતરણના કાળજીપૂર્વકના આયોજનના કારણે તા. ૩૧મી જુલાઈ સુધી કાપ નહીં મૂકવો પડે.
જોકે, ઘણો ખરો આધાર ચોમાસાંની સમયસર શરુઆત પર છે. હવામાન વિભાગે આ વખતે ચોમાસું સમયસર શરુ થશે અને ૧૦૬ ટકા વરસાદ થશે તેવો અંદાજ આપ્યો છે. જોકે, આમ છતાં પણ ચાલુ મહિનાના અંતે વધુ સચોટ આગાહી આવશે તેના આધારે ફરી સમીક્ષા થશે.
આ સંદર્ભમાં મુંબઈગરાઓને પાણી બચાવતા રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.