વડોદરાથી પકડાયેલા સિવિલ કોન્ટ્રાક્ટરને 19 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી
ન્યૂ ઈન્ડિયા બેન્કરૂ. 122 કરોડના કૌભાંડનો કેસ
ઉચાપત થયેલી રકમમાંથી રૂ.12 કરોડ કપિલ દેઢિયાના ખાતામાં જમા થયેલી
ગુજરાતના વડોદરાથી સિવિલ કોન્ટ્રાક્ટર કપિલ દેઢીયાની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. પોલીસે તેને સ્થાનિક કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે તેને ૧૯મી માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઉચાપત થયેલી રકમમાંથી રૂ.૧૨ કરોડ દેઢિયાના ખાતામાં જમા થયા હતા. તેને અમુક રકમ કૌભાંડમાં સામેલ આરોપી રિયલ એસ્ટેટ ડેવલપર ધર્મેશ પૌન પાસેથી મળી હતી.
આ ઉપરાંત દેઢિયાનો ફરાર આરોપી ઉન્નાથન અરુણાચલમ અને મુખ્ય આરોપી બેન્કના ભૂતપૂર્વ મેનેજર તથા એકાઉન્ટસના હેડ હિતેશ મહેતા પાસેથી પણ પૈસા મળ્યા હતા.
આ સમગ્ર કૌભાંડ સામેલ અન્ય આરોપીને માહિતી મેળવવા વધુ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ 'મુંબઈમાં બેનકની પ્રભાદેવી અને ગોરેગાંવ શાખામાંથી રૂ.૧૨૨ કરોડની ઉચાપત કરવામાં આવી હતી.
આ ચકચારજનક મામલામાં દેઢીયા સહિત પાંચ આરોપીની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી છે અને ઘણા લોકોને વોન્ટેડ આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. એમાં બેન્કના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેમની પત્ની ભૂતપૂર્વ વાઈસ ચેરમેન ગૌરી ભાનુનો સમાવેશ છે. આ કૌભાંડ પ્રકાશમાં આવે તે પહેલાં જ તેઓ વિદેશ ભાગી ગયા હતા.