Get The App

મુંબઈ એરપોર્ટ પર સીઆઇએસએફની મહિલા અધિકારી પર હુમલો : ભુવનેશ્વરની મહિલા સામે ગુનો નોંધાયો

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
મુંબઈ એરપોર્ટ પર સીઆઇએસએફની મહિલા અધિકારી પર હુમલો : ભુવનેશ્વરની મહિલા સામે ગુનો નોંધાયો 1 - image


સલામત વિસ્તારમાંથી નાસી છૂટવાનો પ્રયાસ

મેટલ ડિટેક્ટર રણકી ઉઠતા તપાસમાં સહકાર આપવાને બદલે સુરક્ષા અધિકારીઓ સાથે બાખડી પડી

મુંબઇ :  મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સીઆઇએસએફની અમુક મહિલા અધિકારી સહિત અન્ય સુરક્ષા રક્ષકો પર હુમલો કરવાના આરોપસર પોલીસે ૨૮ વર્ષની એક મહિલા સામે ગુનો નોંધ્યો હતો. આ મહિલાએ ક્લિયરન્સ વિના સુરક્ષા હોલ્ડ વિસ્તાર છોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સંદર્ભે સહાર પોલીસના જણાવ્યાનુસારલ રિતુપર્ણા સાડુ તરીકે ઓળખવામાં આવેલી આરોપી મહિલાને સાંજે છ વાગ્યાની આસપાસ મુંબઈથી ભુવનેશ્વર જવાની ફ્લાઇટ પકડવાની હતી. આ મહિલા બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સિક્યોરિટી હોલ્ડ એરિયાના ફ્રિસ્કિંગ બૂથ પાસે આવી હતી. આ સમયે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઇએસએફ)ની મહિલા અધિકારીઓએ તેને મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવા જણાવ્યું હતું. તે જ્યારે મેટલ ડિટેક્ટર પરથી પસાર થઈ રહી હતી ત્યારે 'બીપ' સાઉન્ડ રણકવા માંડયો હતો તેથી સીઆઇએસએફની એક મહિલા અધિકારીએ તેને જૂતા કાઢવા કહ્યું હતું. જોકે મહિલા અધિકારીઓને સહકાર આપવાને બદલે તેણે હોબાળો મચાવ્યો હતો અને વધુ તપાસ કર્યા વિના જ તેને જવા દેવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો.

આ સમયે સુરક્ષા અધિકારીઓએ તેને સમજાવી હતી કે તેઓ માત્ર તમામ ફ્લાયર્સની સલામતીની ખાતરી કરવા માટે જ આમ કરી તેમની ફરજ બજાવી રહ્યા છે. જોકે સીઆઇએસએફની મહિલા અધિકારીઓને સાથ આપવાની જગ્યાએ તેણે તેમના પર હુમલો કરી તેમને ધક્કો મારી સિક્યોરિટી હોલ્ડ એરિયામાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. આ દ્રશ્ય જોઈ અન્ય એક સુરક્ષા અધિકારી દોડતી આવીને તેણે આ મહિલાને રોકવાનો પ્રયાસ કકરતા રોષે ભરાયેલ આરોપી મહિલાએ તેમને અપશબ્દો કહી હુમલો કર્યો હતો. અંતે તમામ સુરક્ષાકર્મીઓએ મળી પરિસ્થિતિ કાબૂમાં લઈ મહિલાને ઝડપી લીધી હતી. ત્યાર બાદ સુરક્ષાકર્મીઓએ આ મહિલાને અટકાયતમાં લીધી હતી. આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓની ફરિયાદ અને તેમના નિવેદનો નોંધ્યા બાદ મહિલા સામે આઇપીસીની કલમ ૫૦૪ (જાહેર શાંતિનો ઇરાદાપૂર્વક ભંગ કરવો) હેઠળ ગુનો નોંધી સીસીટીવીની ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News