મુંબઇમાં સીઆઇએસએફના ગુજરાતના કોન્સ્ટેબલની આત્મહત્યા
કૌટુંબિક કારણથી જીવન ટૂંકાવ્યાની શંકા
બીકેસીમાં જિયો ગાર્ડન પાસે પોતાને ગોળી મારી દીધી
મુંબઇ: બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ)ના કોન્સ્ટેબલે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કૌટુંબિક કારણથી તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
પોલીસે જણાવ્યું હતું કે બીકેસીમાં જિયો સેન્ટરમાં સીઆઇએસએફનો કોન્સ્ટેબલ મુકેશ ખેતરિયા આજે સવારે ડયુટી પર હતો. તે મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે.
સિક્યુરિટી કેબિનમાં એકલો હતો ત્યારે સર્વિસ રાઇફલથી પોતાની દાઢી પાસે ગોળી મારી દીધી હતી. ગોળી તેના માથાની બહાર નીકળી ગઇ હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને અન્ય કર્મચારી દોડી આવ્યા હતા.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
પોલીસે મૃતક કોન્સ્ટેબલના સહકર્મચારીનું નિવેદન નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. આ મામલે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધવામાં આવ્યો છે.