અક્ષય શિંદેના મોતની સીઆઈડી તપાસ શંકા ઉપજાવે છેઃ હાઈકોર્ટ
બદલાપુર શાળામાં જાતીયશોષણ કેસના આરોપીનો મોતનો કેસ
તપાસ એજન્સી મેજિસ્ટ્રેટને સંપૂર્ણ માહિતી આપવા ઈચ્છતી નથી : કોર્ટની ધીરજની પરીક્ષા ન લો- સીઆઈડીની ઝાટકણી
મુંબઈ : બદલાપુર સ્કૂલ જાતીય શોષણ કેસના આરોપીના ૨૩ સપ્ટેમ્બરે પોલીસ સાથેના ગોળીબારમાં થયેલા મોતની તપાસને હળવાશથી લેવા બદલ હાઈકોર્ટે ક્રાઈમ ઈન્વેસ્ટિદેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)નો ઉધડો લીધો હતો. તમામ કેસોને ન્યાયસભર રીતે તપાસના જરૃરીયાત પર ભાર મૂકીને કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં સીઆઈડીની વર્તણૂક શંકાસ્પદ છે અને એવું જણાય છે કે તેઓ ઘટનાની તપાસ કરી રહેલા મેજિસ્ટ્રેટને તમામ માહિતી આપવા માગતા નથી.
સ્થાનિક પોલીસની અક્ષમતાને લીધે તપાસ સીઆઈડીને સોંપવામાં આવે છે. સીઆઈડી કઈ રીતે તપાસને હળવાશથી લઈ શકે? કસ્ટોડિયલ ડેથ ચિંતાની બાબત છે. સીઆઈડી પાસેથી હવે શું અપેક્ષા રાખવી. તપાસમાં શંકા ઉપજી રહી છે. કેસ સંબંધી તબીબી દસ્તાવેજો કેમ એકઠા કરાયા નથી. સીઆઈડી માહિતી યોગ્ય રીતે કેમ એકઠી કરતી નથી. કોર્ટની ધીરજની પરીક્ષા કરશો નહીં. મેજિસ્ટ્રેટથી તમે હેતુપૂર્વક માહિતી છુપાવી રહ્યા છો? એવો સવાલ કોર્ટે કર્યો હતો.
કેસની યોગ્ય રીતે તપાસ કરો અને તમામ નિવેદનો મેજિસ્ટ્રેટને સોંપો ત્યાર પછી જ મેજિસ્ટ્રેટ અહેવાલ તૈયાર કરી શકશે. આરોપી અને તેના પરિવારને પણ ન્યાયસભર તપાસનો અધિકાર છે.
કોર્ટને જણાવાયું હતું કે તમામ દસ્તાવેજો અને માહિતી મેજિસ્ટ્રેટને સોંપી દેવાયા છે અને બાકીની માહિતી એક સપ્તાહમાં સોંપવામાં આવશે. કોર્ટે સુનાવણી ૨૦ જાન્યુઆરી પર રાખી છે ત્યાર સુધીમાં મેજિસ્ટ્રેટે અહેવાલ રજૂ કરવાનો રહેશે.
અગાઉ પણ તપાસ અજેન્સીએ લાસડિયા ખાતું દાખવવા બદલ બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સીઆઈડીનો ઉધડો લીધો હતો.તપાસને હળવાશથી લેવાઈ રહી છે અને ઘણી ક્ષતિઓ છે, એમ કોર્ટે નોંધ કરી હતી. કોર્ટે આરોપી અક્ષય શિંદેના હાથ પર ગનશોટના કોઈ નિશાન ન હોવા તેમ જ તેને પીવા આપેલી પાણીની બાટલી પર કોઈ ફિંગરપ્રિન્ટ ન હોવાની વાતને અસામાન્ય ગણાવી હતી.
કેસની તપાસ કરી રહેલા મેજિસ્ટ્રેટને આપવાના સાહિત્યને અકેઠું કરવામાં સીબીઆઈડી દ્વારા થયેલા વિલંબ બદલ કોર્ટે ઝાટકણી કાઢી હતી. કસ્ટોડિયલ ડેથના કેસોમાં કાયદામાં મેજિસ્ટેરિયલ તપાસ ફરજિયાત છે.