મસાલાની સીઝનમાં મરચાંના ભાવ સ્થિર; ગૃહિણીઓને રાહત
બેડકી, પાંડી અને કાશ્મીરીની માગણી વધુ
માગણી વધુ પરંતુ સામે વિવિધ રાજ્યોમાંથી આવક પણ સારી હોવાથી ભાવને અસર નહીં
મુંબઈ : ઉનાળો બરોબર જામતાં જ વાશી માર્કેટમાં મસાલા કરાવવા માટે ગ્રાહકોની અવરજવર શરુ થઈ ગઈ છે. મસાલા તૈયાર કરવા માટે લાલ મરચાંની સારી એવી માગણી આ સીઝનમાં રહેતી હોય છે. જોકે આ વર્ષે માર્કેટમાં આવક પણ સારી થઈ હોવાથી લાલ સૂકાં મરચાંના ભાવમાં ખાસ કંઈ વધારો જોવા મળ્યો નથી. જેથી ગૃહિણીઓને રાહત મળી છે.
તડકો તપવા માંડે એટલે સ્ત્રીઓ ઘરમાં બારેમાસ ચાલે એટલું મરચું, મસાલા અને કરિયાણું ભરાવતી હોય છે. જોકે હવે આ પદ્ધતિ ઓછી થઈ છે, છતાં બંધ થઈ નથી. સરસ રીતે સૂકાયેલાં અને ડિટીયા વગરના લાલ મરચાં જાન્યુઆરી મહિનાથી માર્કેટમાં આવવા માંડયા છે. સ્થાનિક વિસ્તારો સહિત કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણમાંથી પણ લાલ મરચાંની આયાત થઈ રહી છે.
માર્કેટમાં બેડકી, ગુંટૂર, તેજા, કાશ્મિરી, સંકેશ્વરી જેવા મરચાંની ખાસ માગણી આ વર્ષે દેખાઈ રહી છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં ખાસ કંઈ ફરક જણાયો નથી. એકંદરે ભાવ સ્થિર રહ્યાં છે. તેમાંય જો સાફ કરાયેલાં અને ડિટીયા તોડેલાં મરચાં જોઈએ તો કિલો દીઠ ૨૦ થી ૩૦ રુપિયા વધુ ચૂકવવા પડે છે. પરંતુ મહેનત કરતાં ૨૦-૩૦ રુપિયા વધુ આપી સમય બચાવવો એ પણ આજની સ્ત્રીઓને ખાસ માફક આવી રહ્યું છે. માર્કેટમાં પ્રતિકિલોએ લાલ લવિંગ્યા મરચાંના ભાવ ૨૦૦ થી ૨૫૦ રુપિયા, બેડગીના ૩૨૦ થી ૩૫૦, પાંડી મરચાંના ૩૦૦ થી ૩૨૦ તો કાશ્મીરી મરચાંના ભાવ ૩૦૦ રુપિયાથી માંડીને અલગ અલગ જોવા મળી રહ્યાં છે.