ફીના વાંકે બાળકોને બહાર ધકેલાતાં બાળ હક્ક પંચની તપાસ
થાણે પોલીસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તાવ
ફી એ શાળા અને વાલીઓ વચ્ચેનો કરાર, તેમાં વિદ્યાર્થીઓને અપમાનિત કરી શકાય નહીં
મુંબઇ : થાણેની એક શાળામાં ફી ન ચૂકવવાને કારણે કેટલાંક વિદ્યાર્થીઓને અલગ પાડવામાં આવ્યાં હોવાની ફરિયાદ મળતાં આવા દાવાઓની ગુરુવારે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એમએસસીપીસીઆર) એ તપાસણી કરી હતી.
થાણે જિલ્લા પરિષદની શિક્ષણ અધિકારીએ સુનાવણી દરમ્યાન ખુલાસો કર્યો કે, થાણે પોલીસ સ્કૂલની મુલાકાત લેતાં તેમને કેટલાંક વિદ્યાર્થીઓ કે જેમણે ચાલું વર્ષની ફી હજી ભરી નથી, તેમની સાથે ભેદભાવભર્યો વ્યવહાર જોવા મળ્યો હતો. એમએસસીપીસીઆરના એક નિવેદન મુજબ, આ વિદ્યાર્થીઓને મોટા હૉલ (એસેમ્બલી) વિસ્તારમાં અલગથી બેસાડાયા હતાં.
એમએસસીપીસીઆરના અધ્યક્ષા સુસીબેન શાહે એ વાતને સમર્થન આપ્યું હતું કે, ફી ભરવી જરુરી છે. પરંતુ તે ન ભરી શકનાર વિદ્યાર્થીઓ જોડે અપમાન કે ભેદભાવભર્યું વર્તન થવું જોઈએ નહીં. ફીની ચૂકવણી એ માતા-પિતા અને શાળા વચ્ચેનો કરાર છે. જેમાં ડિજીટલ સોલ્યુશન્સ અને પારદર્શક ફી પ્રક્રિયાઓની પણ તેમણે વિનંતી કરી હતી. તેમણે સ્કૂલને ફી પ્રક્રિયાની પ્રોસેસ વિશે માહિતી આપતો એક સેમિનાર કરવા પણ જણાવ્યું હતું.