મુંબઇમાં બાળ મૃત્યુદર 21 ટકા વધ્યો, કોરોના પછી 2 હજારથી વધુનાં મોત
સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરની બીજી બાજુ
બાળકોમાં રોગપ્રતિકારશક્તિ ઘટી,રક્તકણોનું પ્રમાણ ઓછું,અધૂરા મહિને જન્મ, યુવતીનાં લગ્ન 40 વર્ષ બાદ વગેરે પરિબળો કારણભૂત
મુંબઇ : મુંબઇમાં છેલ્લાં પાંચ વર્ષમાં બાળ મૃત્યુના દરમાં ૨૧.૩ ટકાનો ચિંતાજનક વધારો થયો છે.આ સમયગાળામાં પાંચ વર્ષ સુધીનાં બાળકોનાં મૃત્યુ થયાં છે.આ માહિતી મુંબઇ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગનાં સૂત્રોએ આપી છે.
મુંબઇમાં કોરોનાની મહામારી ફેલાઇ તે પહેલાં એકથી પાંચ વર્ષની વય જૂથનાં ૧,૭૭૯ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જોકે બાળ મૃત્યુનો આ આંકડો ૨૦૨૩માં વધીને ૨,૧૫૮ થયો હતો.શહેરમાં પાંચ વર્ષમાં કુલ ૯,૯૭૨ બાળકો મૃત્યુ પામ્યાં હતાં.
ઉપરાંત, શહેરમાં ૨૦૧૯થી ૨૦૨૩ ના સમયગાળામાં ૧૦થી ૧૮ વર્ષની વય જૂથનાં કુલ ૫,૩૦૧ કિશોર -કિશોરીઓનાં પણ મૃત્યુ નોંધાયાં હતાં. જોકે મહાનગરપાલિકાએ છ થી નવ વર્ષની વય જૂથનાં કેટલાં બાળકો મૃત્યુ પામ્યાં હતાં તેની વિગતો જાહેર નથી કરી.સાથોસાથ પાલિકાએ માહિતી જાણવાના હક્ક સંદર્ભમાં થયેલી અરજીના સંદર્ભમાં પણ પાંચથી દસ વર્ષનાં કેટલાં બાળકોનાં મૃત્યુ થયાં હતાં તેની પણ કોઇ જ જાણકારી જાહેર નથી કરી. આ માહિતી જાહેર થઇ હોત તો બાળકોનાં મૃત્યુનો આંકડો વધુ હોવાની શક્યતા હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે બાળકનો અધૂરા મહિને જન્મ, પ્રસુતિ દરમિયાન માતાનું મૃત્યુ, કુપોષણ,બાળકને જન્મગત ખોડ,ચેપ લાગવો વગેરે કારણો અને પરિબળોથી બાળકોનો મૃત્યુ દર આટલો વધુ રહ્યો છે.
આરોગ્ય ખાતાના એક ઉચ્ચ અધિકારીએ એવી અંદેશો વ્યક્ત કર્યો હતો કે સગર્ભાને પૂરતો અને પોષણક્ષમ આહાર ન મળ્યો હોય, ગર્ભમાંના શીશુને પણ પૂરતું પોષણ ન મળ્યું, સમયસર અને સાચું નિદાન પણ ન થયું હોય તો નવજાત શીશુના આરોગ્ય માટે સમસ્યા સર્જાય છે.વળી, યુવતીનાં લગ્ન મોટી ઉંમરે થવાથી પણ અધૂરા મહિને બાળકનો જન્મ થવાનો દર વધી રહ્યો છે. ઉદાહરણરૃપે યુવતી ૪૦ વર્ષ બાદ સગર્ભા બને તો તેને હાઇ બ્લડ પ્રેશર,થાયરોઇડ, ક્રોમોસોમલ ડિઝઓર્ડર(રંગસૂત્રોની ખામી) વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે. પરિણામે બાળકનો જન્મ પણ અધૂરો મહિને થાય.
બાળ રોગના નિષ્ણાતોના કહેવા મુજબ કોરોનાની મહામારી બાદ બાળકોની રોગ પ્રતિકારશક્તિ નબળી થઇ ગઇ છે.પરિણામે તેઓને જુદી જુદી બીમારી થવાની શક્યતા પણ વધી જાય છે.સાથોસાથ બાળકોમાં રક્તદોષ અને એનેમિયા(બાળકના શરીરમાં રક્તકણોનું પ્રમાણ યોગ્ય માત્રા કરતાં ઓછું હોવું) ની સમસ્યા પણ થઇ શકે છે.આવી ચિંતાજનક પરિસ્થિતિ ન સર્જાય તે માટે શહેરમાં યોગ્ય અને ઉત્તમ તબીબી સુવિધા હોવી જરૃરી છે.
બીજીબાજુ ૨૦૨૩માં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ તથા વિકાસ વિભાગ દ્વારા વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યના ૧૬ જિલ્લામાં કુલ ૩૨,૨૯૨ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.