જેજેમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડતાં ડર્મેટોલોજીના વડાની બદલી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
જેજેમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડતાં ડર્મેટોલોજીના વડાની બદલી 1 - image


અનેક દિવસોથી માંગ પણ સરકાર આંદોલનની જ ભાષા સમજી      

દિવસભર રેસિડેન્ટ ડોક્ટરો ફરજથી અળગા રહેતા હોસ્પિટલની કામગીરી ખોરવાઈ ગઈઃ ડો. કુરાની બદલી બાદ હડતાલ સમેટાઈ  

મુંબઇ :  મુંબઇ શહેરની પ્રતિષ્ઠિત જેજે હોસ્પિટલમાં ડર્મેટોલોજી વિભાગના વડા ડો. મહેન્દ્ર કુરાની માનસિક સતામણીના વિરોધમાં પખવાડિયાથી સામૂહિક રજા પર ઉતરેલાં ૨૧ રેસિડેન્ટ ડોક્ટરોના ટેકામાં હોસ્પિટલમાં કામ કરતાં ૮૦૦ કરતાં વધારે રેસિડેન્ટ્સ ડોક્ટરોએ  અચોક્કસ મુદતની હડતાળ પાડતાં હોસ્પિટલની કામગીરી ખોરવાઇ ગઇ હતી. જોકે, આ હડતાળને પગલે સરકારે આખરે ડો. કુરાની બદલી ઔરંગાબાદની છત્રપતિ સંભાજી નગર હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી કરી દેતાં આખરે સાંજે હડતાલ સમેટાઈ હતી. 

 ધ મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ-માર્ડ દ્વારા ડર્મેટોલોજી વિભાગના વડા ડો. મહેન્દ્ર કુરા સામે પગલાં ભરવાની માંગણી કરાઇ હતી. પણ રાજ્યના મેડિકલ એજ્યુકેશન વિભાગ-ડીએમઇઆર-ના અધિકારીઓ સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં જેજે હોસ્પિટલના ૮૦૦ કરતાં વધારે રેસિડેન્ટ ડોક્ટરોએ ગુરૃવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો. તેને પગલે દિવસભર હોસ્પિટલનું કામ કાજ ખોરવાયેલું રહ્યું હતું. રેસિડેન્ટ ડોક્ટરોએ હોસ્પિટલ સંકુલમાં ધરણા યોજી સૂત્રોચ્ચારો કર્યા હતા. 

બાદમાં ડો. કુરાની તત્કાળ બદલી કરાયાના સમાચાર આવતાં રેસિડેન્ટ ડોક્ટરોના સંગઠને હડતાલ સમેટવાની જાહેરાત કરી હતી અને સરકારનો આભાર માન્યો હતો. 

ડો. કુરા પર તબીબો તથા દર્દીઓની પણ માનસિક સતામણીના આરોપો થયા છે. તેમની બેદરકારીથી છ દર્દીઓનાં મોત થયાંના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. સરકારે એક હુકમ જારી કરતાં કહ્યું હતું કે વહીવટી કારણોસર ડો. કુરાની ઔરંગાબાદની છત્રપતિ સંભાજી નગર હોસ્પિટલમા ંબદલી કરવામાં આવી છે. 

ડર્મેટોલોજી વિભાગના ૨૧ રેસિડેન્ટ ડોક્ટરો કેટલાય દિવસોથી ડો. કુરાની બદલીની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા હતા. તેમના ટેકામાં ૮૦૦  રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. 

 આ અગાઉ, જેજે હોસ્પિટલ-માર્ડના પ્રેસિડેન્ટ ડો. શુભમ સોનીએ જણાવ્યું હતું કેે કુરા સામે ફરિયાદ નોંધાવ્યાને ૧૯ દિવસ અને તેમના વિભાગના ૨૧ રેસિડેન્ટ ડોક્ટરો સામૂહિક રજા પર ઉતર્યાને  દસ દિવસ વીતી જવા છતાં આ મામલાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ડીએમઇઆર દ્વારા મોડે મોડે બે સભ્યોની કમિટી રચવામાં આવી અને આ કમિટીએ મેડિકલ એજ્યુકેશન કમિશનરને તેનો રિપોર્ટ  ૧૯ ડિસેમ્બરે સોંપી દીધો તે પછી ડો. મહેન્દ્ર કુરાને પંદર દિવસની ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. એ પછી તેમની સામે કોઇ નક્કર પગલાં ભરવામાં ન આવતાં ડીએમઇઆરના અધિકારીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી હતી જે નિષ્ફળ જતાં રેસિડેન્ટ્સ ડોક્ટરોએ ગુરૃવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો. 

નવ ડિસેમ્બરે માર્ડ દ્વારા હોસ્પિટલના ડીનને  પ્રથમ પત્ર લખી ડો. કુરા દ્વારા થતી માનસિક સતામણી તથા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં બાબતે જાણ કરાઇ હતી. એ પછી પંદર ડિસેમ્બરે બીજો વિગતવાર પત્ર લખી સામૂહિક રજા પર જવાની ધમકી આપવામાં આવતાં ડીએમઇઆર દ્વારા બે સભ્યોની કમિટી રચવામાં આવી હતી. ડર્મેટોલોજી વિભાગની ત્રણ બેચના ૨૧ રેસિડેન્ટ ડોક્ટરો ૧૮ ડિસેમ્બરથી ડો. કુરાની હકાલપટ્ટી  કરવાની માગણી સાથે  સામૂહિક રજા પર ઉત ર્યા હતા. 

જેજે હોસ્પિટલના ડીન ડો. પલ્લવી સાપલેએ ઓપીડી વિભાગની કામગીરી ખોરવાઇ ન જાય તે માટે સિનિયર ફેકલ્ટી મેમ્બરની સહાય લેવામાં આવી  હોવાનું જણાવ્યું હતું.



Google NewsGoogle News