લલિત પાટીલ કેસમાં યેરવડા જેલના ચીફ મેડિકલ ઓફિસરની ધરપકડ
એક આરોપીની પૂછપરછમાં સીએમઓની સંડોવણીની ભાળ મળી
જેલમાંથી સારવારના બહાને ડ્રગ માફિયાને સસૂન હોસ્પિટલમાં ખસેડી નાસી જવામાં મદદનો આરોપ
મુંબઈ : પુણેની સરકારી હોસ્પિટલમાંથી કુખ્યાત આરોપી લલિત પાટીલને ભાગી જવાના કેસમાં પોલીસે યેરવડા જેલના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ)ની આજે ધરપકડ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
યેરવડા જેલના સીએમઓ ડો. સંજય કાશીનાથ મરસાળેને ૨૨૩ અને અન્ય સંબંધિત કલમ હેઠળ પકડવામાં આવ્યા હતા.
કરોડો રૃપિયાના મેફેડ્રોન જપ્તી કેસનો આરોપી પાટીલ બીજી ઓક્ટોબરે પુણેની સસૂન હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. તેને એક્સ-રે માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે બિન્દાસ્તપણે પલાયન થઈ જતા હોબાળો મચી ગયો હતો.
બાદમાં બે અઠવાડિયા પછી ૧૭ ઓક્ટોબરે બેંગલુરુ નજીકથી તેને પકડવામાં આવ્યો હતો. 'એક આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ડો. સંજયે સારવારના બહાને જેલમાંથી પાટીલને સસૂન હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. હવે ડો. સંજયની પૂછપરછ પછી આ બાબતમાં વધુ માહિતી મળી શકશે એમ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.
આ કેસમાં અત્યાર સુધી ૧૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પુણે શહેર પોલીસે ૩૦ સપ્ટેમ્બરે સસૂન હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસેથી રૃ.બે કરોડના મેફેડ્રોન સાથે બે આરોપીને પકડયા હતા. આરોપીમા ંહોસ્પિટલની કેન્ટીનના એક કર્મચારીનો સમાવેશ હતો. આ મેફેડ્રોનનો જથ્થો પાટીલે પૂરો પાડયો હોવાનું તપાસમાં માલૂમ પડયું હતું.
હોસ્પિટલમાં દાખલ પાટીલ નાસી જતા નવ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૩૦૦ કરોડની કિંમતના મેફેડ્રોન જપ્ત કરવાના ગુનામાં પણ પાટીલ ફરાર હતો. નાસિકમાં ડ્રગ મેન્યુફેકચરીંગ યુનિટ પર દરોડો પાડી પોલીસે રેકેટનો પર્દાફાશ કર્યો હતો.