Get The App

હોટેલીયર જયા શેટ્ટીની હત્યાના કેસમાં છોટા રાજનને જન્મટીપની સજા

Updated: May 30th, 2024


Google NewsGoogle News
હોટેલીયર જયા  શેટ્ટીની હત્યાના કેસમાં છોટા રાજનને જન્મટીપની સજા 1 - image


ચોથી મે 2001ના રોજ  શેટ્ટી પર ફાયરિંગ થયું હતું

શેટ્ટીના પુત્રની જુબાની મહત્વની પુરવાર થઈઃ  હાલ  દિલ્હી જેલમાં રહેલા રાજનને 16 લાખનો દંડ પણ ફટકારાયો

મુંબઈગેન્ગસ્ટર છોટા રાજન ઉર્ફે રાજેન્દ્ર સદાશિવ નિકલજેને વિશેષ કોર્ટે હોટેલીયર જયા શેટ્ટીની હત્યાના ૨૦૦૧ના કેસમાં જન્મટીપની સજા સંભળાવી છે. રાજનને રૃ.૧૬ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કેસમાં શેટ્ટીના પુત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ હતી.

મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસ માટેના વિશેષ જજ  એમ. એમ. પાટીલે રાજનને હત્યાના કેસમાં કસૂરવાર ઠેરવ્યો છે. જયા શેટ્ટી ગામદેવીમાં ગોલ્ડન ક્રાઉન હોટેલ ધરાવતો હતો. ચોથી મે ૨૦૦૧ના રોજ હોટેલના પહેલા માળે શેટ્ટીને રાજન ટોળકીના બે સભ્યોએ ઠાર કર્યો હતો. શેટ્ટીની વિનંતીને પગલે તેની સુરક્ષા બે મહિના પૂર્વે જ પાછી ખેંચી લેવાઈ હતી.

કોર્ટનો વિસ્તૃત આદેશ હજી ઉપલબ્ધ થયો નથી. પોલીસે હોટેલ મેનેજરની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો હતો. કેસની તપાસમાં જણાયું હતું કે શેટ્ટીને છોટા રાજન ટોળકીના હેમંત પૂજારી તરફથી ખંડણી માટે ધમકીભર્યા ફોન આવતા હતા અને ખંડણી નહીં આપતાં તેની હત્યા કરવામાં આવી હતી.

શેટ્ટીના પુત્રે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને ૧૯૯૯થી ખંડણી માટે ધમકીઓ મળતી હતી. પિતાને ઠાર કર્યા બાદ તેમને ફોન આવ્યો હતો કે હવે તમારો વારો છે.

ખંડણી અને સંબંધીત અન્ય ગુનાઓ માટે રાજ સામે સંખ્યા બંધ કેસ નોંધાયા છે. હોટેલીયરની હત્યાના કેસમાં રાજન અને અન્યો સામે એમસીઓસીએ હેઠળની કડક કલમ લાગુ કરાઈ હતી.છોટા રાજન સાથે અજય મોહિતે, પ્રમોદ ધોંડે, અને રાહુલ પાનસરેને પણ કસૂરવાર ઠેરવાયા હતા.અગાઉની બે અલગ કાર્યવાહીમાં હત્યા કેસમાંના ત્રણ અન્ય આરોપીને કસૂરવાર ઠેરવાયા હતા અને એકને પુરાવાના અભાવે મુક્ત કરાયા હતા.

રાજન પહેલેથી જ ૨૦૧૧ના પત્રકાર જે ડે હત્યા કેસમાં જન્મટીપ ભોગવી રહ્યો છે અને દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.


Google NewsGoogle News