છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ મહારાષ્ટ્રમાં આવશે ખરા પણ 3 વર્ષની લોન પર

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
છત્રપતિ શિવાજી  મહારાજના વાઘ નખ મહારાષ્ટ્રમાં  આવશે ખરા પણ 3 વર્ષની લોન પર 1 - image


રાજ્યના 4 મ્યુઝિયમ્સમાં પ્રદર્શિત કરવામાં આવશે

મુંબઇ :  છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ મહારાષ્ટ્ર સરકારને મળશે ખરા પણ ફક્ત ત્રણ વર્ષ માટે. અને તે પણ લોન પર. શિવાજીના વાઘ નખ બ્રિટનના વિક્ટોરિયા એન્ડ  આલ્બર્ટ(વી એન્ડ એ) મ્યુઝિમયમ દ્વારા  રાજ્ય સરકારને આપવામાં  આવશે.

મહારાષ્ટ્ર સરકારે ગયા સપ્તાહે  જારી કરેલા સરકારી ઠરાવમાં આ માહિતી આપવામાં આવી છે.

લોખંડના લાંબા ધારદાર નખથી શિવાજી મહારાજે  ૧૬૫૯માં  બીજાપુરના  આદિલશાહ શાસનના કમાન્ડર અફઝલ ખાનને મારી  નાખ્યો  હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ મળે છે.શિવાજી મહારાજના તે અપ્રતિમ પરાક્રમને ૩૫૦ વર્ષ પૂરાં થઇ રહ્યાં  છે  તે પ્રસંગે  તેમના વાઘ નખ મહારાષ્ટ્રમાં આવશે.

મહારાષ્ટ્ર સરકારનાં સરકારી ઠરાવમાં એવી વિગતો છે કે છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ રાજ્યનાં ચાર મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ચાર મ્યુઝિમમાં છત્રપતિ શિવાજી મહારાજા વાસ્તુ સંગ્રહાલય(મુંબઇ), શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિમ(સાતારા),સેન્ટ્રલ મ્યુઝિયમ(નાગપુર), લક્ષ્મી વિલાસ પેલેસ(કોલ્હાપુર) છે.

રાજ્ય સરકારનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે શિવાજી મહારાજના વાઘ નખ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમથી આયોજન અને  સલામતીપૂર્વક લાવવા માટે ૧૧  પ્રતિનિધિઓની સમિતિ બનાવવામાં આવી છે. 

રાજ્ય સરકારના સાંસ્કૃતિક ખાતાના  પ્રધાન સુધીર મુનગંટવારે એવી માહિતી આપી હતી કે વાઘ નખ ૨૦૨૩ના નવેમ્બરમાં  મુંબઇ લાવવામાં આવશે.  જોકે  આ અગાઉ સુધીર મુનગંટીવાર પોતે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ સાથે કરાર કરવા માટે લંડન જશે.વળી, એક તબક્કે  આ કરાર પ્રક્રિયા વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ હાજર રહેવાના છે એવા અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા.આમ છતાં છેલ્લા સમાચાર મુજબ હવે એકનાથ શિંદેએ તેમની  બ્રિટનની અને જર્મનીની  મુલાકાત રદ કરી નાખી છે.

સરકારી સૂત્રોએ એવી માહિતી આપી હતી કે છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ લોખંડના બનેલા છે. તેને ચાર પંજા છે.  



Google NewsGoogle News