નાગાલેન્ડના મંત્રી- ભાજપ પ્રદેશ પ્રમુખ સામે મુંબઈમાં ચિટિંગ કેસ નોંધાશે
મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટને માહિતી આપી
126 કરોડના વેપારી સોદામાં છેતરપિંડી : બાદમાં મંત્રી બની જતાં લોકાયુક્તની મંજૂરીમાં કેસ અટવાયો
મુંબઈ : મુંબઈ પોલીસ નાગાલેન્ડના કેબિનેટ મિનિસ્ટર અને પ્રદેશ ભાજપ પ્રમુખ તમજેન ઈમના અલોગ સામે ૧૨૬ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કરશે. મુંબઈ પોલીસે બોમ્બે હાઈકોર્ટને આ માહિતી આપી છે.
મુંબઈની એક કંપની સાથે ૧૨૬ કરોડના સોદામાં બોગસ દસ્તાવેજો રજૂ કરી છેતરપિંડી કરવાનો આ કેસ છે. મુંબઈની કંપનીએ આ કેસમાં ઈકોનોમિક અફેર્સ વિંગ દ્વારા તપાસ થાય તે માટે હાઈકોર્ટમાં દાદ માગી હતી.
કંપની દ્વારા અદાલતને જણાવાયું હતું કે અલોંગે ૨૦૧૫માં કંપનીનો સંપર્ક કરી રોકાણ માટે આમંત્રણ આપ્યું હતુ. તેના આધારે કંપનીએ એમઓયુ કર્યું હતું. આ એમઓયુ એક બાંધકામ કોન્ટ્રાક્ટ ઉપરાંત ચોખા તથા સુગર સપ્લાય કરવા માટે થયું હતું. આ કરાર થયા ત્યારે અલોંગ કેબિનેટ મિનિસ્ટર ન હતા.
જોકે, કંપનીના આક્ષેપ અનુસાર તેમણે કરારની બધી શરતો પૂર્ણ કરી અને ચીજવસ્તુઓનો સપ્લાય પણ કરવા છતાં તે પછી અલોંગે તેમના પ્રતિનિધિઓને મળવાનો ઈનકાર કરી દીધો હતો. આથી કંપનીએ ગત ફેબુ્રઆરીમાં ઈકોનોમિક અફેર્સ વિંગને ફરિયાદ આપી હતી.
જોકે, ઈકોનોમિક અફેર્સ વિંગે આ ફરિયાદ ગત ૨૪મી જુને નાગાલેન્ડના લોકાયુક્તને મંજૂરી માટે મોકલી આપી હતી. પોલીસે એવો તર્ક આપ્યો હતો કે અલોંગ હવે મિનિસ્ટર બની ચૂક્યા હોવાથી તેમની સામે કેસ દાખલ કરતાં પહેલાં લોકાયુક્તની મંજૂરી જરુરી છે.
જોકે, કંપનીએ દલીલ કરી હતી કે મૂળ સોદો થયો ત્યારે અલોંગ મંત્રી ન હતા આથી લોકાયુક્તની મંજૂરી જરુર જ ન હતી. બાદમાં લોકાયુક્ત દ્વારા પણ જણાવાયું હતું કે આ સોદો અલોંગ જાહેર સેવક બન્યા તે પહેલાંનો છે અને તેથી તે તેના કાર્યક્ષેત્રમાં આવતો જ નથી.
બાદમાં ઈકોનોમિક અફેર્સ વિંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
રાજ્ય સરકારના એડવોકેટ દ્વારા ન્યાયમૂર્તિ રેવતી મોહિતે-દેરે તથા ન્યાયમૂર્તિ અદ્વૈત શેઠનાની બેન્ચને જણાવાયું હતું કે પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે અરજદારની ફરિયાદમાં દર્શાવાયેલી વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસે આ માહિતી આપ્યા બાદ પોલીસને નિષ્પક્ષ તપાસ કરવાનું સૂચવી હાઈકોર્ટે કેસનો નિકાલ કર્યો હતો.