અશ્લીલ સામગ્રી મોકલવાના 17 કેસ થયાનું જણાવી લોકો પાયલોટ સાથે ઠગાઈ
ફ્રોડસ્ટરોએ પોલીસ અને ટ્રાઇના અધિકારી બની 22 લાખ ખંખેર્યા
સીમકાર્ડનો ઉપયોગ કરી અશ્લીલ સામગ્રી મોકલાયાનું જુઠ્ઠાણું ચલાવ્યું, મની લોન્ડરિંગની તપાસની દમદાટી પણ આપીે
મુંબઇ : રેલવેના ૫૩ વર્ષીય લોકો પાયલોટને તેની વિરુદ્ધ અશ્લીલ સામગ્રીના પ્રસારણની ૧૭ ફરિયાદો મળી હોવાનું જણાવી દમદાટી આપી ૨૨ લાખ રુપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભેજાબાજોએ પોલીસ ઉપરાંત ટ્રાઇ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ના અધિકારી તરીકે ઓળખાણ આપી આ છેંતરપિંડી આચરી હતી.
આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી ભુસાવળના રહેવાસી છે. અને રેલવેમાં લોકો પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ૧૫ જુલાઇના રોજ ફરિયાદીને 'ટ્રાઇ' તરફથી એક ઓટોમેટેડ કોલ આવ્યો હતો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેમની મોબાઇલ સેવાઓ ટૂંક સમયમાં ડિસ્કનેકટ કરી દેવામાં આવશે. જો તેમને આ બાબતની વધુ માહિતી જોઇતી હોય તો ૯ નંબર દબાવવાની સૂચના આપવામાં આવી હતી. પીડિતે નવ નંબર દબાવતા કોલ 'ટ્રાઇના એક અધિકારી'ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ અધિકારીએ પીડિતને જણાવ્યું હતું કે તેમની વિરૃદ્ધ મુંબઇના મિલકનગર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. સામેની વ્યક્તિએ એમ પણ જણાવ્યું હતું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને મિલકનગરમાંથી સિમકાર્ડ આપવામાં આવ્યું છે.
આ બન્નેની વાત પૂરી થયા બાદ ફરિયાદીને એક વ્યક્તિનો પોન આવ્યો હતો જેણે તેની ઓળખ પોલીસના સબ ઇન્સ્પેકટર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તેમના સિમકાર્ડનો ઉપયોગ કરી અશ્લીલ વીડિયો પ્રકાશિત કરવા જેવા સંવેદનશીલ અપરાધો કરવામાં આવ્યા છે. આ બાબતે ફરિયાદી સામે તિલકનગર પોલીસ સ્ટેશનમાં કુલ ૧૭ ફરિયાદો મળી છે. આ વ્યક્તિએ આગળ એમ પણ જણાવ્યું હતું કે તેના બેન્ક એકાઉન્ટની તપાસ મની લોન્ડરિંગના કેસ હેઠળ કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું હતું કે તેમને શંકા છે કે ફરિયાદીને મની લોન્ડરિંગ કેસમાં સામેલ આરોપીઓ પાસેથી ૨૦ લાખ રૃપિયાનું કમિશન મળ્યું છે.
ફ્રોડસ્ટરે ફરિયાદીને જમાવ્યું હતું કે તેમની સંડોવણી છે કે નહીં તે માટે તેમના બેન્ક ખાતાની તપાસ કરવામાં આવશે. આ સાથે જ પ્રોડસ્ટરે સેબી, નાણામંત્રાલય અને સુપ્રીમ કોર્ટના બોગસ દસ્તાવેજો પણ શેર કર્યા હતા જેમાં બેન્ક વ્યવહારોની તપાસ કરવા મંજૂરી આફવાનું જણાવવામાં આવ્યું હતું. ફ્રોડસ્ટરોએ ત્યારબાદ ફરિયાદીને વિવિધ પ્રકારનો ભય દર્શાવી અલગ-અલગ બેંકમાં ઓનલાઇન ચાર ટ્રાન્ઝેકશન કરવા કહ્યાં હતા અને ૨૨ લાખ રૃપિયા ટ્રાન્સ્ફર કરાવી લીધા હતા.
ફરિયાદીએ ત્યાર બાદ સાયબર ક્રાઇમ બાબતની જાગૃતિનો અક વીડિયો જોયા બાદ તેમની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ તેમણે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા ફ્રોસ્ટરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.