નકલી દસ્તાવેજોથી 1.5 કરોડની હોમ લોન લઈ સ્ટેટ બેન્ક સાથે ઠગાઈ
10 લાખ માટે મહિલાએ ટોળકીને પોતાના ફલેટ પર લોનમાં મદદ કરી
1.25 લાખના ઈએમઆઈ ભરી પછી બંધ કરી દીધા, બેન્કે તપાસ કરી તો ઓફિસે તાળાં મારી ફરારઃ 5 સામે ગુનો દાખલ
મુંબઇ : બનાવટી દસ્તાવેજો વડે ૧.૫ કરોડની હોમ લોન લઇ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) સાથે છેતરપિંડી કરવા અને ઠગાઇથી મેળવેલી મોટી રકમની પરસ્પર વહેચણી કરવા પ્રકરણે પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ વસંત પાટણકર, મનજીત કૌર, પીયુષ શાહ, રાઘવેન્દ્ર પૂજારી અને ઉર્વીલ શાહ તરીકે કરવામાં આવી છે.
ભિવંડીના એક વેપારી પાટણકરે કૌરની માલિકીનો ફલેટ ખરીદવાની યોજના બનાવી હતી. પીયૂષ જે ડેવલપર માટે કામ કરતો હતો તેણે નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવામાં મદદ કરી હતી જે પછી બેન્કમાં સબમીટ કરવામાં આવી હતી. આ સંદર્ભે એમએચબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, પાટણકરે અંધેરીની હોરાઇઝન હાઇટ્સ બિલ્ડીંગમાં કૌરનો ફલેટ ખરીદવા માટે એસબીઆઇની બોરીવલી (વે) બ્રાન્ચમાં લોન માટે અરજી કરી હતી. નિયત પ્રક્રિયા અને સાઇટની મુલાકાત પછી બેંકે ૨૮ ફેબુ્રઆરીના રાજ કૌરના નામે ચેક જારી કર્યો હતો. પાટણકરે કુલ રૃા.૧.૨૬,૫૦૦ ની ઇએમઆઇ ચૂકવ્યા બાદ લોન ભરવાનું બંધ કરી દીધું હતું.
બેન્કના અધિકારીઓએ પછીથી ભિવંડીમાં પાટણકરની ઓફિસની મુલાકાત લીધી ત્યારે ઓફિસ બંધ હતી વધુમાં જાણવા મળ્યું હતું કે તેણે ઘણા મહિનાથી અહીંનું ભાડું ભર્યું નથી. પરિણામે બેન્કે આ લોનને નોન-પર્ફોમિંગ એસેટ જાહેર કરી હતી. ત્યાર બાદ અધિકારીઓએ પાટણકરના અન્ય નિવાસસ્થાનની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે તે જગ્યા પણ તેણે વેચી દીધી હતી.
અંતે બેન્કના અધિકારીઓ હોરાઇઝન હાઇટ બિલ્ડીંગમાં ગયા અને કૌરને મળ્યા હતા. આ સમયે પૂછપરછ દરમિયાન મહિલાએ વટાણા વેરી નાંખ્યા હતા અને કબૂલ્યું હતું કે બધાએ ઇરાદાસિવાયના હેતૂ માટે લોનનો ઉપયોગ કરવા સાંઠ ગાંઠ કરી હતી. કૌરે ખુલાસો કર્યો કે તે આ યોજનાનો ભાગ બની કારણ કે તેને ૧૦ લાખ રૃપિયાની અર્જન્ટ જરૃર હતી અને વાસ્તવમાં તેનો ફલેટ પાટણકરને વેચવામાં આવ્યો નહોતો.
આ બાબતે બેન્કના અધિકારીઓએ ડેવલપરની મુલાકાત લીધી અને એનઓસી બાબતે પૂછપરછ કરી ત્યારે પીયૂષની ભૂમિકા બહાર આવી હતી. ત્યાર બાદ સોસાયટી રજિસ્ટ્રારે પણ કૌરને ફલેટ ઓનર તરીકે ઓલખવાનું નકારી દીધું હતું. બેન્ક સાથે છેતરપિંડી થઇ હોવાનું ખુલ્યા બાદ આ મામલે પાંચેય સામે ૧૫ ડિસેમ્બરના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.