સગીરા સાથે વાત કરવા પીછો કર્યા કરવો એ જાતીય સતામણી જ થઈઃ હાઈકોર્ટ
આવા કેસમાં કોઈ માતા પિતા ખોટી ફરિયાદ કરે નહીં
પીડિતા ઈનકાર કરે તે પછી પણ પ્રેમ સ્વીકારી લેશે તેવો દાવો કરવો તે ઈરાદો સારો નથી તેવું દર્શાવે છેઃ પોક્સો હેઠળ કેસ બન
મુંબઈ - બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આપેલા મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે જો યુવક સગીરા સાથે વાત કરવા અને પ્રેમની અભિવ્યક્તિ કરવા વારવંર તેનો પીછો કરે અને એવો દાવો કરે કે એક દિવસ તેનો પ્રેમ સ્વીકારી લેવાશે તો એ કૃત્ય દર્શાવે છે કે તેનો ઈરાદો સારો નથી અને આ કૃત્ય પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ અફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ જાતીય સતામણીનો ગુનો બને છે.
સિંગલ જજ ન્યા. ગોવિંદ સાનપે ચોથી ફેબુ્રઆરીના અમરાવતી કોર્ટના ચુકાદાને બહાલ કર્યો હતો જેમાં અપીલકર્તા મિથુરામ ધુ્રવને ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ પીછો કરવાના અને પોક્સો કાયદાના જાતીય સતામણીના આરોપ હેઠળ કસૂરવાર ઠેરવાયો હતો.
આઠ ઓગસ્ટે આપેલા ચુકાદામાં જજે નોંધ કરી હતી કે પુરાવામાં પીડિતાએ આરોપીનું વર્તન અને વ્યવહારનું વર્ણન કર્યું છે. પીડિતાએ આપેલું નિવેદન એ વાત પુરવાર કરવા પુરત છે કે આરોપી અંગત વાતચીત કરવાના ઈરાદે તેનો પીછો કર્યા કરતો હતો જ્યારે તેને જાણ હતી કે પીડિતાને તેનામાં કોઈ રસ નથી. પીડિતાએ આપેલા પુરાવા એ વાત પુરવાર કરવા પણ પુરતા છે કે આરોપી દ્વારા તેની જાતીય સતામણી થઈ હતી. આથી જાતીય સતામણીનો ગુનો આ કેસમાં લાગુ પડે છે, એમ ચુકાદામાં જણાવાયું હતું.
સિંગ જજે નોંધ કરી હતી કે આરોપીનું વર્તન અને વ્યવહાર તેના ઈરાદાને છતો કરવા પુરતા હતા.પીડિતાએ પોતાના સ્તરે આરોપીનો સામનો કર્યો અને તેને કોઈ રસ નહીં હોવાનું પણ સમજાવ્યું હતું. તેમ છતાં આરોપીએ તેનું સાંભળ્યું નહીં અને ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે ઘટના બની જ્યારે પીડિતાએ આરોપીને લાફો માર્યો અને તેના વર્તનની જાણ તેની માતાને કરી અને બાદમાં તેની સામે એફઆઈઆર નંધવામાં આવી.
જજે આરોપીની દલીલ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો કે પીડિતા અન્ય યુવક સાથે સંબંધમાં હોવાથી તેને ખોટી રીતે કેસમાં ફસાવાયો છે.
આવા કેસ પોલીસમાં ફરિયાદ કરવાથી પીડિતા અને તેના પરિવારની પ્રતિષ્ઠા જોખમાય છે. આથી સામાન્ય રીતે માતાપિતા પોતાની દીકરીને લઈને આવી ઘટના ઉપજાવી શકે નહીં.આ કેસમાં કોઈ પુરાવા નથી કે ફરિયાદીનો ઈરાદો આરોપીને ફસાવવાનો હોય. કોઈ દુશ્મની પણ નથી. આથી કેસમાં જે પુરાવા વિશ્વસનીય અને આધારભૂત છે તેને અવગણી શકાય નહીં. અપીલમાં કોઈ તથ્ય નથી અને જાતીય સતામણીનો આરોપ પુરવાર હોવાનું કોર્ટે નોંધ્યું હતું.