ચર્ની રોડ બ્રિટિશ નામ નથી, ચરવાના મેદાન પરથી પડયું છે
સ્ટેશનોનાં જૂના નામોનો રસપ્રદ ઇતિહાસ, નવાં નામ પાછળનાં કારણો
લાલબાગ નામ સૂફી સંત લાલ શાહબાઝ કલંદર સાથે જોડાયેલું છેઃતીર્થંકર પાર્શ્વનાથ સ્ટેશનના નામને જૈન સમાજે ઉમળકાભેર આવકાર્યું
મુંબઇ : પરતંત્ર ભારતમાં મુંબઇની ઉપનગરીય રેલવેના અમુક સ્ટેશનોને અંગ્રેજ ગવર્નરોના નામ અપાયા હતા જ્યારે અમુક સ્ટેશનોના નામોમાં બ્રિટિશ કોલોનીયલ કાળની છાંટ વર્તાતી હતી. આવા આઠ સ્ટેશનોના નામ બદલવાની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ તબક્કે, જૂના સ્ટેશનોના નામ કેવી રીતે પડયા હતા અને નવા નામો આપવા પાછળના કારણો જાણવાનું રસપ્રદ થઇ પડશે.
મુંબઇ સેન્ટ્રલ -સર જગન્નાથ શંકર શેઠ સ્ટેશન
મુંબઇ સેન્ટ્રલનું મૂળ નામ બોમ્બે સેન્ટ્રલ હતું. મુંબઇના મધ્ય ભાગમાં આ સ્ટેશન આવેલું હોવાથી ૧૯૩૦માં સ્ટેશન બંધાયું ત્યારે તેને બોમ્બે સેન્ટ્રલ નામ આપવામાં આવ્યું હતું.
આ સ્ટેશનને ૧૯મી સદીના અગ્રણ્ય દાનવીર, મોટા ગજાના વેપારી તેમજ મુંબઇના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપનારા અને પહેલવહેલી રેલવે દોડતી થઇ તેનું શ્રેય જેમને જાય છે એ સર જગન્નાથ શંકરશેઠનું નામ આપવામાં આવશે.
મરીન લાઇન્સ- મુંબાદેવી
મરીન લાઇન્સ સ્ટેશનનું નામ બ્રિટિશ રાજ વખતે આ સ્થળે તહેનાત મરીન બટાલિયન પરથી પડયું હતું. મરીન બટાલિયનનો હારબંધ બેરેકો આ જગ્યાએ આવેલી હતી. મુંબાદેવી પરથી મુંબઇનું નામ (મુંબા-આઇ) પડયું છે. એવી લોકવાયકા છે કે કોળી માછીમારોએ એસપ્લેનેડ વિસ્તારમાં મુંબાચી આઇનું મંદિર બાંધેલું ૧૭૩૭માં આ મંદિર પાયધૂની નજીક ખસેડવામાં આવ્યું હતું. ત્ ત્યારે ે દેવી મુંબાઆઇ તરીકે મંદિર ઓળખાવા લાગ્યું હતું. જ્યારે અમુક ઇતિહાસકારોનું માનવું છે કે કાઠિયાવાડના એક ગામના મોમાઇ માતાના નામ પરથી મુંબાદેવી નામ પડયું હતું. આ વિસ્તારમાં આવેલા મંદિરનું મુંબાદેવી નામ સ્ટેશનને સૂચવાયું છે.
ચર્નીરોડ બનશે ગિરગાંવ
ચર્નીરોડ નામ કોઇ બ્રિટિશરના નામ પરથી પડયું હશે એ માન્યતા ભૂલ ભરેલી છે. ચર્નીનો અર્થ થાય ચરાણની જગ્યા. સદીઓ પહેલા આ જગ્યાએ ગાય-ભેસ ચરવા આવતા એટલે નામ પડયું હતું ચર્ની રોડ.
ગિર એટલે મરાઠીમાં ટેકરી અને ગાંવ એટલે ગામ મલબાર હિલ પાસે આવેલા આ વિસ્તાર ગિરગાંવ તરીકે જાણીતા છે.
કરી રોડ-લાલબાગ
કરી રોડ નામ બ્રિટિશર ચાર્લ્સ કરી પરથી પડયું હતું. ચાર્લ્સ કરી બોમ્બે-બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયન રેલવેના એજન્ટ હતા.
લાલબાગના ગણપતિને લીધે દેશભરમાં મશહૂર લાલબાગ વિસ્તારનું નામ ૧૪મી સદીમાં થઇ ગયેલા સૂફી સંત સય્યદ હઝરત લાલ શાહબાઝ કલંદરની દરગાહ પરથી પડયું છે. બીજી થિયરી એવી છે કે થીયોસોફિસ્ટ પેસ્તનજી વાડિયાએ અત્યારના નવરોઝ બાગની જગ્યાએ આલીશાન લાલબાગ બંગલો બંધાવ્યો હતો.
સેન્ડહર્સ્ટ રોડ- ડોંગરી
મુંબઇના ગવર્નર તરીકે ૧૮૯૫થી ૧૯૦૦ સુધી ફરજ બજાવનારા લોર્ડ સેન્ડહર્સ્ટનું નામ આ સ્ટેશનને અપાયું હતું.
ડોંહરી નામ મરાઠી શબ્દ ડોંગર (ડુંગર) પરથી પડયું છે. આ ડુંગર તો અંગ્રેજ રાજ વખતે સિટી ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે રહેણાક ઘરો બાંધવા માટે પાડી નાખવામાં આવ્યો હતો પણ વિસ્તારનું નામ રહી ગયું છે.
કોટનગ્રીન-કાલાચોકી
બ્રિટિશરોના કોટન ટ્રેડ સાથે આ સ્ટેશનનું નામ જોડાયું છે. આ વિસ્તારમાં કોટન મિલો અને જંગી ગોદામો આવેલા હતા. કાલાચોકી નામ એક ડામરના કાળા રંગે રંગાયેલી પોલીસ ચોકી ઉપરથી પડયું છે.
ડોકયાર્ડ રોડ- મઝગાંવ
બ્રિટિશ રાજ વખતે જહાજ બાંધવાનો અને સમારકામનો ઉદ્યોગ બોમ્બે ડૉકયાર્ડમાં ધમધમતો હતો. એના પરથી હાર્બરના સ્ટેશનનું નામ ડૉકયાર્ડ રોડ પડયું હતું.
મઝગાંવ નામ મરાઠી માઝા (મારા) ગાંવ પરથી પડયું છે. આ વિસ્તારમાં ઐતિહાસિક માતાર પખાડીની પોર્ચુગીઝ વસાહત આવેલી છે.
કિંગ્સસર્કલ- તીર્થકર પાર્શ્વનાથ
બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ (કિંગ જ્યોર્જ ફિફથ) નું નામ માટુંગા અને સાયન વચ્ચેના હાર્બર લાઇનના સ્ટેશનને અપાયું હતું.
તીર્થંકર પાર્શ્વનાથ જૈન મંદિર આ વિસ્તારમાં આવેલું છે એટલે કિગ્સ-સર્કલને તીર્થંકર પાર્શ્વનાથનું નામ અપાયું છે. જૈન સમાજે આ સૂચનને આવકાર્યું છે.