ખિચડી કૌભાંડમાં આદિત્યના નિકટવર્તી સૂરજ ચવાણ સામે ચાર્જશીટ
રૃ. 1.35 કરોડની ઉચાપતના આરોપમાં ઈડીની કાર્યવાહી
કોવિડ કાળ વખતે શ્રમિકોનકે આપવાની ખિચડીના કૌભાંડમાં 17 જાન્યુઆરીએ પકડાયેલો સુરજ ચવાણ હાલ અદાલતી કસ્ટડીમાં
મુંબઈ : કોવિડ કાળ દરમ્યાન શ્રમિકોને મુંબઈમાં ખિચડીના વિતરણમાં કથિત ગેરરીતિ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પદાધિકારી સુરજ ચવાણ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટ (ઈડી)એ આરોપનામું નોંધાવ્યું છે.
વિશેષ પીએમએલએ કોર્ટ સમક્ષ આરોપનામું નોંધાવાયું હતું. ચવાણને ૧૭ જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી અને હાલમાં અદલાતી કસ્ટડીમાં છે. આર્થિક ગુના શાખાએ નોંધેલા કેસમાંથી મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર મુંબઈ મહાપાલિકાએ ફોર્સ વન મલ્ટિ સર્વિસીસના બેન્ક ખાતામાં ખિચડી વિતરણ માટે રૃ. ૮.૬૪ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ કંપનીએ રૃ. ૩.૬૪ કરોડની રકમ ઊભી કરી હતી જેમાંથી રૃ. ૧.૨૫ કરોડ ચવાણના અંગત બેન્ક ખાતામાં જમા થઈ હતી અને રૃ. ૧૦ લાખની રકમ પાર્ટનરશિપ ફર્મ ફાયર ફાઈટર્સ એન્ટરપ્રાઈઝીસના ખાતામાં ગઈ હતી.
આ રીતે ચવાણે રૃ. ૧.૩૫ કરોડની રકમ ખોટી રીતે પ્રાપ્ત કરી હતી જે તેણે મિલકત ખરીદી અને ડેરીના વ્યવસાયમાં રોકી હતી, એમ ઈડીએ જણાવ્યું હતું.