મુંબઈ સહિત રાજ્યભરમાં પેટ્રોલપંપો ડ્રાય થતાં અફડાતફડી, લાંબી લાઈનો લાગી
ટ્રક હડતાલથી નો સ્ટોકનાં પાટિયાં ઝૂલ્યાં, ડ્રાય થવાની બીકે વાહનચાલકો દોડયા
આવતીકાલે પરિસ્થિતિ સામાન્ય રહેશે તેવો દાવોઃ પેટ્રોલપંપો પર
વાહનચાલકો સ્ટાફ વચ્ચે ઘર્ષણનાં દૃશ્યોઃ વાહનોની કતારોથી પંપો બહાર ટ્રાફિક જામ
મુંબઇ : મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આજે પેટ્રોલ પંપો પર અફડાતફડીનાં દૃશ્યો સર્જાયાં હતાં. ટ્રક-ટેન્કર ડ્રાઈવરોની હડતાલના કારણે કેટલાય પંપો પર સોમવારે સાંજ પછી પુરવઠો પહોંચ્યો જ ન હતો. આથી આ પંપો ડ્રાય થઈ ગયા હતા. બીજી તરફ આજે વહેલી સવારથેી જ પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવાં પેનિકથી લોકોએ પંપો પર લાઈનો લગાડવા માંડી હતી. તેના લીધે જે પંપો પર દિવસભર ચાલે તેટલો પુરવઠો હતો તે પણ બપોર સુધીમાં ડ્રાય થઈ ગયા હતા. અનેક પેટ્રોલ પંપો પર વાહનચાલકો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પેટ્રોલ પંપો બહાર જ વાહનોની લાંબી કતારોથી ઠેર ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો પણ જોવાં મળ્યાં હતાં. જોકે, પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના સૂત્રો ઉપરાંત સરકારી અધિકારીઓએ દાવો કર્યો હતો કે આજે સાંજ સુધીમાં પુરવઠો નોર્મલ થઈ જશે અને આવતીકાલે આવી કોઈ હાલાકી નહીં સર્જાય.
પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના સૂત્રોએ કહ્યું હતું કે સોમવાર સાંજ સુધીમાં રાજ્યના ૯૦ ટકા પેટ્રોલ બંકરો 'ડ્રાય' થઇ ગયા હતા. જેના કારણે ગભરાટ ફેલાતા સમસ્યા સર્જાઇ હતી. લોકો પર મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા પહોંચી ગયા હતા. સૂત્રોએ આપતા કહ્યું હતું કે સવારથી ટેન્કરોએ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના ડેપો પરથી પેટ્રોલ-ડીઝલ ભરવાનું શરૃ કરી દીધું છે. અને આ ટેન્કરો 'ડ્રાય' થયેલ પેટ્રોલ પંપ તરફ રવાના થશે તેથી સ્થિતિ સામાન્ય બની જશે. આ સિવાય મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને અમને અને ગ્રાહકોને ખાતરી આપી છે કે ગભરાવવાનું કોઇ કારણ નથી આજ સાંજ સુધીમાં પરિસ્થિતિ ૮૦ ટકા સામાન્ય થઇ જશે.
ફેડરેશન ઓફ મહારાષ્ટ્ર પેટ્રોલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ઉદય લોધીએ જણાવ્યું હતું કે સોમવારથી ૪૦ ટકા થી વધુ પેટ્રોલ-ડીઝલ ઓઇલ ડેપો બંધ હોવાથી સમસ્યા સર્જાઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાલા, મનમાડ, અહમદનગર, અકોલા અને ચંદ્રપુર ડેપો બંધ હતા. જ્યારે વાશી, સોલાપુર, પુણે મિરજ અને નાગપુર જેવા અન્ય ડેપો કાર્યરત હતા. પરિણામે અમૂક જગ્યાએ ઇંધણના પુરવઠાને અસર પહોંચી હતી.
મુંબઇમાં પણ અમૂક પેટ્રોલ પંપોએ પેટ્રોલ-ડીઝલ ન હોવાની ઘોષણા કરતી હાથથી લગાડેલી નોટિસો મૂકી હતી જેનાથી ત્યાં પેટ્રોલ-ડીઝલ ભરવા આવતા વાહનોના ડ્રાઇવરો રોષે ભરાયા હતા. આ સિવાય મુંબઇ, થાણે રાયગઢ, પાલઘર, રત્નાગિરી, પુણે, છત્રપતિ સંભાજી નગર, નાશિક, સોલાપુર, નાગપુર અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઘણા સ્થળોએ ગ્રાહકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ વચ્ચે ગરમાગરમી થતી જોવા મળી હતી. આ સિવાય અન્ય વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની સર્પાકાર કતાર જોવા મળી હતી. મુંબઈમાં પેટ્રોલ પંપો પર આડેધડ લાઈનોને લીધે ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસને નાકે દમ આવી ગયો હતો.
રેક ટેન્કર સાથે પોલીસ એસ્કોર્ટ રહેશે
પેટ્રોલ પંપો, ટેન્કરોનો પોલીસ સુરક્ષા પૂરી પાડવા આદેશ
પેટ્રોલ પંપો પર ટોળાંને કાબુમાં લેવા બે-બે પોલીસ જવાનો તૈનાત કરવા સ્થાનિક પોલીસને સૂચના
ટ્રક ડ્રાઇવરો અને ટ્રકસોના આંદોલનને કારણે મહારાષ્ટ્ર સરકારે આજે તમામ પેટ્રોલ-ડીઝલના ટેન્કરોને પોલીસ એસ્કોર્ટ પુરો પાડવાનો અને તમામ પેટ્રોલ-પંપને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો.
ઓલ ઇન્ડિયા પેટ્રોલ ડીલર્સ એસોસિએશન (એઆઇપીડીએ)ના પ્રવકતા અલી દારૃવાલાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે યોજાયેલી એક બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. દારૃવાલાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ૪૫૦૦ જેટલા પેટ્રોલ પંપો પર ડેપોમાંથી નીકળતા તમામ પેટ્રોલ ડિઝલ ટેન્કરોને પોલીસ એસ્કોર્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ારૃવાલાએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તમામ પેટ્રોલપંપ પર ઓછામાં ઓછા બે કોન્સ્ટેબલ તૈનાત કરાશે જેથી ઇંધણના ટેન્કરોની સરળ હિલચાલ સુનિશ્ચિત કરી શકાય તેમ જ પેટ્રોલ ભરવા એકત્ર થતી વિશાળ ભીડને પણ શાંત કરી શકાય.
નવાં વર્ષની ઉજવણીનો બધો નશો ગાયબ
શેની બબાલ છે, તેનાથી અજાણ વાહનચાલકો પંપો પર દોડયા
આમ આદમીનો વાંક શું, ગુનો શું, ભાવ ઘટતા નથી ને ઉપરથી આ બધી તકલીફો: લોકોમાં ભારે રોષ
પેટ્રોલ પંપો બંધ થઈ રહ્યા છે અને આજુબાજુમાં ક્યાંય પેટ્રોલ નથી તેવા મેસેજીસ વહેતા થતાં જ અસંખ્ય મધ્યમવર્ગીય ચાલકો પોતાના ટુ વ્હીલર લઈને લાઈનોમાં જોતરાઈ ગયા હતા. સવારે ઓફિસ પહોંચી ગયેલા લોકોએ ઘરે ફોન કરી પત્ની કે સંતાનોને તાબડતોબ ટુ વ્હીલર લઈ પેટ્રોલ પંપ પર લાઈનોમાં ઊભા રહી જવા સૂચના આપી હતી.
પંપ પર પહોંચી ગયેલા લોકોને અચાનક પેટ્રોલ ડીઝલ કેમ ખૂટી ગયાં તેની વિશે ખબર પણ ન હતી. સરકારે નવી ભારતીય ન્યાયસંહિતા ઘડી છે તેમાં હિટ એન્ડ રનના કેસમાં ટ્રક ચાલકો સામે આકરી જોગવાઈઓ છે તેની સામે આ હડતાલ છે તે જાણ્યા પછી કેટલાય લોકોએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થયો છે. ટ્રક ચાલકોને સરકાર સામે વાંધો હોય તો તેમાં સામાન્ય માણસે શા માટે ભોગવવું પડે ? અને સરકારને પણ કેમ ગઈકાલ સુધી ખ્યાલ જ ન આવ્યો કે પરિસ્થિતિ આ હદે વળાંક લેશે.
મુંબઈમાં હજુ ગઈકાલ સુધી નવાં વર્ષની ઉજવણીના નશામાં લોકો મશગૂલ હતા. અનેક કોર્પોરેટ કંપનીઓમાં પહેલી જાન્યુઆરીની પણ રજા હોવાથી આજથી જ વર્કિંગ શરુ થયું હતું. તેમનો નવાં વર્ષની ઉજવણીનો બધો નશો આજે ઉતરી ગયો હતો