એસએફઆઈઓ દ્વારા ઓફિસ સમયે જ પૂછપરછ થાય તેવી ચંદા કોચરની અરજી
દીપક કોચર બાદ ચંદા કોચરે પણ હાઈકોર્ટમાં કરી અરજી
વિડિયોકોન ગુ્રપને લોન ગેરરીતિ પ્રકરણે થઈ રહેલી તપાસમાં ચંદા કોચર સામે આકરા પગલાં નહીં લેવા ખાતરી
મૂંબઈ : આઈસીઆઈસીઆઈ બેન્કના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસર (એસએફઆઈઓ)ને ઓફિસ કલાક દરમ્યાન જ તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપવાની દાદ માગી હતી.
વિડિયોકોન સાથેના લોન ફ્રોડ કેસમાં તપાસના કલાકો અને સમય પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને કોચકે કોર્ટ પાસેથી ઉક્ત નિર્દેશ માગ્યો હતો. પાંચ નવેમ્બરે સમન્સ જારી કરીને ૨૨ નવેમ્બરે ઓફિસ કલાકો બાદ પૂછપરછ કરવા માટેનું સમન્સ ૧૪ નવેમ્બરે જ મળ્યું છે. ઈડીની જેમ એસએફઆઈઓએ પણ ઓફિસ કલાકોમાં પૂછપરછ કરવા સુધી મર્યાદિત રહેવું જોઈએ.
કોર્ટે સુનાવણી ૨૭ નવેમ્બર સુધી મોકૂફ રાખીને સીએફઆઈઓને ઈડી જેવા ઓફિસ કલાકમાં પૂછપરછ મર્યાદિત રાખવાના નિર્દેશ જારી કરવા અંગે નિર્ણય લેવા સમય આપ્યો છે.
દરમ્યાન સીએફઆઈઓએ કોર્ટને ખાતરી આપી હતી કે કોચર સામે કોઈ આકરાં પગલાં લેવાશે નહીં અને ૨૨ નવેમ્બરે ઓફિસ સમયમાં જ પૂછપરછ થશે.કોચરના પતિ દીપક કોચરે પણ ઓક્ટોબરમાં આવી જ અરજી કરી છે. ૨૫ ઓક્ટોબરે કોર્ટે આદેશ આપીને તેમને વચગાળાની રાહત આપી હતી.
કોચર દંપતી સામે વિડિયોકોન ફ્રોડ કેસમાં વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ અને ૧૨ એસોસિયેટ કંપનીઓના કામકાજની તપાસ ચાલી રહી છે. જુલાઈ ૨૦૨૧માં સરકારે તપાસ શરૃ કરી હતી. જેમાં બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદે કાર્યરત ચંદા કોચર હતા, ત્યારે વિડિયોકોન ગુ્રપને આઈસીઆઈસીઆઈ બેન્કે રૃ. ૩,૨૦૦ કરોડની લોન આપવા સંબંધી કેસનો સમાવેશ છે.