સોસાયટીમાં વીજ કરંટથી બાળકના મોત અંગે ચેરમેન-સેક્રેટરીની ધરપકડ
ઈલેક્ટ્રિશન અને કોન્ટ્રાક્ટર પણ લોકઅપમાં
ગોરેગાંવની સોસાયટીમાં રમતી વખતે બાળક બગીચામાં લાઈવ વાયરના સંપર્કમાં આવ્યો હતો
મુંબઇ : ગોરેગાવમાં ૧૩ એપ્રિલના હાઉસિંગ સોસાયટીના પાર્કમાં રમતી વખતે નવ વર્ષના કિશોરનું વીજ કરંટ લાગતાં મોત થયાના કિસ્સામાં પોલીસે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, ઈલેક્ટ્રિશિયન સહિત ચારની ધરપકડ કરી છે.
ગોરેગાવ પૂર્વના ગોકુલધામ વિસ્તારમાં ૧૩ એપ્રિલના રોજ આ ઘટના બની હતી. જેમાં આર્યવીર (ઉ.વ. ૯) ચોથા ધોરણમાં ભણતો કિશોર ગોકુલધામ મહારાજા રીટ્રીટ સોસાયટીના બગીચામાં રમતી વખતે જીવંત ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને બેભાન થઈ ગયો હતો.
આ ઘટના બાદ, કિશોરના પિતા અને અન્ય સોસાયટીના રહેવાસીઓએ પીડીતને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પહોંચતા જ આર્યવીરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આર્યવીરના મોત બાદ, પિતાની ફરિયાદના આધારે, દિડંશો પોલીસે રહેણાંક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, તથા ઈલેક્ટ્રિશિયન તથા કોન્ટ્રાક્ટરની સામે ગુનો દાખલ કર્યો હતો.
કોન્ટ્રાક્ટરની અગાઉ તા. ૧૬મી એપ્રિલે ધરપકડ કરાઈ હતી જ્યારે ચેરમેન, સેક્રેટરી તથા ઈલેક્ટ્રિશિયનની હવે ધરપકડ કરાઈ છે.