વિતેલા વર્ષમાં સેન્ટ્રલની લોકલો 3 હજાર વખત ચેઇનપુલિંગને કારણે ખોરવાઇ
બહારગામની ટ્રેનોમાં મામૂલી કારણોસર એલાર્મ ચેઇન ખેંચવાના વધુ કિસ્સા
મુંબઇ - વિતેલાં વર્ષમાં ત્રણ હજાર વખત બહારગામના પ્રવાસીઓને કારણે લોકલ ટ્રેનોના પ્રવાસીઓને હેરાનગતિ થઇ હતી. સેન્ટ્રલ રેલવેના મુંબઇ ડિવિઝનમાં બહારગામની ટ્રેનોમાં એલાર્મ ચેઇન ખેંચવાના ૩૦૯૪ કેસ નોંધાયા હતા. જેમાંથી મોટાભાગના કેસમાં નજીવા કારણોસર ચેઇન પ્રવાસીઓએ ખેંચી હતી. એલાર્મ ચેઇનના ગેરઉપયોગ પર અંકુશ મૂકવા માટે રેલવેએ કાર્યવાહી વધુ તીવ્ર કરી છે.
સેન્ટ્રલ રેલવેના મુંબઇ ડિવિઝનના મેનેજર સોશિયલ મીડિયા પર ચેતાવણી પોસ્ટ કરતા લખ્યું હતું કે ટ્રેનોમાં એલાર્મ ચેઇન બિન જરૃરી કારણસર ખેંચનાર પ્રવાસી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ અપીલ કરી હતી કે પ્રવાસીઓ આ સુવિધાનો ગેર ઉપયોગ ન કરે. ૨૯મી ડિસેમ્બરે સાત પ્રવાસીઓને માન્ય કારણવિના ચેઇન ખેંચવા બદલ રેલવે કાયદાની ધારા ૧૪૧ હેઠળ કોર્ટમાં રજૂ કરાયા હતા.
રેલવે મુજબ એલાર્મચેઇન ખેંચાવાનું સીધું પરિણામ લોકલ ટ્રેનોના ટાઇમટેબલ પર પડે છે. સરેરાશ રોજ ૧૨ લોકલો આ કારણથી ૧૦ મિનિટ મોડી પડે છે. અંતે પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ભેગી થતી ભીડમાં પ્રવાસીઓ પરેશાન થાય છે. વધુમાં સેન્ટ્રલ રેલવે પહેલાંથી અન્ય પડકારોને કારણે ટ્રેનોના ટાઇમટેબલ સાચવવામાં ૧૫ ટકા પાછળ છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર એક ટ્રેનની એલાર્મ ચેઇન ખેંચાવાથી માત્ર તે જ ટ્રેન નહી સમાન રૃટની પાછળ આવતી બહારગામની ટ્રેનો ખોરવાય છે. વળી સતત વ્યસ્ત રહેતી મુંબઇની સબર્બન લાઇનને તેનો વધારે ફટકો પડે છે.
એલાર્મ ચેઇન ઇમરજન્સીની સ્થિતિ માટે ટ્રેનોમાં રખાઇ છે. પણ અમુક પ્રવાસીઓ પોતાના સ્વાર્થ માટે હજારો પ્રવાસીઓને અગવડમાં નાખીને રેલવેની સિસ્ટમમાં પણ ખલેલ નાખે છે. ટ્રેનમાંથી કોઇ અધવચ્ચેના સ્ટેશને ઉતરવા કે પ્લેટફોર્મ પર સામાન ભૂલી જવા જેવા મામૂલી કારણોથી ચેઇન છેંકનાર સામે રેલવે કાયદાની ધારા ૧૪૧ હેઠળ ગુનો નોંધીને ૧૦૦૦ રૃપિયા દંડ કાં તો એક વર્ષની જેલ અથવા બન્ને સજા મળે છે. વર્ષ ૨૦૨૪માં આરપીએફએ આવા ૨૬૫૮ પ્રવાસીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૪.૯૫ લાખ રૃપિયા દંડ એકઠું કર્યું હતું. ૨૪ લોકોને એક વર્ષની કેદ પણ થઇ હતી. ગત વર્ષના જાન્યુઆરીમાં એલાર્મ ચેઇન પુલિંગના ૨૪૧ કેસ, ફેબુ્રઆરીમાં ૨૫૦, માર્ચમાં ૨૪૭, એપ્રિલમાં ૨૭૬, મેમાં ૨૭૬, જૂનમાં ૨૭૦, જુલાઇ ૨૫૩, ઓગસ્ટમાં ૨૪૦, સપ્ટેમ્બરમાં ૨૫૬, ઓક્ટોબરમાં ૨૪૯ નવેમ્બરમાં ૨૭૩ અને ડિસેમ્બરમાં ૨૬૫ કેસ નોંધાયા હતા.