આઈસી 814માં આતંકીઓના હિંદુ નામ અંગે નેટફલિક્સને કેન્દ્રનું તેડું

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
આઈસી 814માં આતંકીઓના હિંદુ નામ અંગે   નેટફલિક્સને કેન્દ્રનું તેડું 1 - image


ઈન્ડિયા કન્ટેન્ડ હેટને આજે હાજર થવા જણાવાયું  

આતંકીઓના હિંદુ કોડ નેમ બદલવામાં નહિ આવતાં સોશિયલ મીડિયા પર વિવાદ

મુંબઇ :  વેબ સીરિઝ 'આઈસી ૮૧૪, ધી કંદહાર હાઈજેક'માં આતંકીઓનાં હિંદુ કોડનેમ નહિ બદલવા બાબતે ઓટીટી પ્લેટફાર્મ નેટફલિક્સના ઈન્ડિયા કન્ટેન્ડ હેડને કેન્દ્ર સરકારે તેડું મોકલ્યું છે. તેમને આવતીકાલે મંગળવારે હાજર થવા જણાવાયું છે. 

કન્ટેન્ડ હેડને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સક્ષમ અધિકારી સમક્ષ હાજર થવા જણાવાયું છે. 

આ સીરિઝમાં વિમાનનું અપહરણ કરનારા બે આતંકીઓને ભોલા અને શંકર એવાં હિંદુ કોડ નેમ અપાયાં છે. તેના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો છે.

કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી સરકાર હતી ત્યારે કાઠમંડુથી દિલ્હી જતાં પ્લેનને હાઈજેક કરી અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવાયું  હતું.  આ સમગ્ર ઘટના પર આધારિત વેબ સીરિઝમાં નસીરુદ્દિન શાહ, પંકજ કપૂર, વિજય વર્મા, મનોજ પાહવા, અરવિંદ સ્વામી સહિતના કલાકારો છે. 

આ સીરિઝમાં વિદેશ પ્રધાન જશવંતસિંહનું પાત્ર દર્શાવાયું છે પરંતુ તેમનું નામ બદલી નખાયું છે. તો આ રીતે આતંકીઓના નામ પણ બદલી શકાયાં હોત તેવી દલીલ નેટ યૂઝર્સ કરી રહ્યા છે. 

આ સમગ્ર પ્રકરણ અંગે ભારતના વિદેશ ખાતાંએ ત્યારે પ્રગટ કરેલાં સત્તાવાર નિવેદન અનુસાર  પ્લેનનનું અપહરણ કરનારા આતંકીઓમાં ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર સૈયદ, સની અહમદ કાઝી, મિસ્ત્રી ઝહૂર ઈબ્રાહિમ અને શાકિરનો સમાવેશ થતો હતો. 

જોકે, ત્યારે આ અપહૃત પ્લેનના પ્રવાસીઓએ આપેલાં નિવેદન અનુસાર પ્લેનની અંદર આતંકીઓ એકમેકને ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર નામથી સંબોધન કરતા હતા. 

આમ આ સીરિઝના  સર્જક અનુભવ સિંહાએ આતંકીઓ માટે એ જ કોડ નેમ રાખ્યાં છે . આ નામ નહિ બદલાતાં તેમની સામે વિરોધ થયો છે.



Google NewsGoogle News