ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા કેન્દ્રની મંજૂરી
ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવાની દરખાસ્ત હજુ પડતર
શહેરોનાં નામ બદલવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી અંગે હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કર્યો
મુંબઈ : ઉસ્માનાબાદનું નામકરણ બદલીને ધારાશિવ કરવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જોકે, ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરવાની રાજ્ય સરકારની દરખાસ્ત પર નિર્ણય હજુ બાકી છે. આ બંને શહેરોના નામ બદલવાના નિર્ણયને પડકારતી એક અરજીના સંદર્ભમાં કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં આ માહિતી રજૂ કરી હતી.
આ બંને શહેરોનાં નામ બદલવાના રાજ્યની એકનાથ શિંદે સરકારના ગત જુલાઈ ૨૦૨૨ના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મોહમ્મદ અહેમદ, અણ્ણાસાહેબ ખંદારે અને રાજેશ મોરે એમ ત્રણ વ્યક્તિએ આ અરજી કરી હતી.
બંને શહેરના નામ બદલવાનો પ્રયાસ અગાઉ પણ થયો છે. માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રાજકીય ફાયદો મેળવવા કેબિનેટમાં આ ઠરાવ પાસ કર્યો હતો . જોકે, તે પછી તરત જ સત્તા પરિવર્તન થયું હતું. એકનાથ શિંદે સરકારે દાવો કર્યો હતો કે ઉદ્ધવ સરકારે રજૂ કરેલો ઠરાવ ગેરકાયદેસર હતો કારણ કે તેમની સરકાર ત્યારે વિધાનસબામાં બહુમતી ગુમાવી ચુકી હતી. તે પછી કોઈ કાયદાકીય કે ટેકનિકલ મુદ્દો ના નડે તે માટે એકનાથ શિંદે સરકારની કેબિનેટમાં આ ઠરાવ નવેસરથી લાવવામાં આવ્યો હતો.
સરકારનો આ નિર્ણય બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે. બે સમુદાય વચ્ચે તંગદિલી નિર્માણ કરવાનો પ્રયાસ હોવાનો દાવો નામકરણને પડકારતી અરજીમાં કરાયો છે.
કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંધે એક્ટિંગ ચીફ જસ્ટિસ એસ.વી. ગંગાપુરવાલા તથા જસ્ટિસ સંદિપ માર્નેની બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અગાઉ જ સૂચિત કરી દેવામાં આવ્યું છે કે ઉસ્માનાબાદનું નામ બદલવામાં કેન્દ્રને કોઈ વાંધો નથી. ગઈ તા. બીજી ફેબુ્રઆરીએ જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આ મુદ્દે જાણ કરી દેવામાં આવી છે.
હાઈકોર્ટે આ મુદ્દે હવે તા. ૨૭મી ફેબુ્રઆરીએ વધુ સુનાવણી યોજવાનું નક્કી કર્યું છે.