ઘાટકોપરની જૈન કન્યાશાળાની શનિવારે શતાબ્દી મહોત્સવ યાત્રા
દસદાયકાથી નિઃશુલ્ક કન્યા કેળવણીનું યોગદાન આપતી સંસ્થા
શાળાના પ્રાંગણમાં આનંદમેળો પણ યોજાશે, તમામ વિદ્યાર્થિનીઓને ગીતાના તમામ અધ્યાયો મુખપાઠ કરાવતી મુંબઈની એકમાત્ર શાળા
મુંબઈ : ૧૯૨૪ની સાલમાં સ્થપાયેલ ઘાટકોપર પશ્ચિમની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા હાલ તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહી છે. હવે આ શતાબ્દી વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠનના સંયુક્ત ઉપક્રમે ત્રીજી ફેબુ્રઆરીને શનિવારના રોજ આશા માતૃભાષાની, ગાથા સો વર્ષની થીમ સાથે સવારે ભવ્ય શતાબ્દી મહોત્સવ યાત્રા તથા આનંદ મેળાનું આયોજન કર્યું છે. જેની જોરદાર તૈયારીઓ હાલ ચાલી રહી છે.
ઘાટકોપર સ્થિત એસ.પી.આર.જૈન કન્યાશાળા ઈ.સ.૧૯૨૪થી નિઃશુલ્ક કન્યા કેળવણી કરે છે. કે.જી.થી પી.જી. સુધીનું શિક્ષણ આપતી આ એકમાત્ર કન્યાશાળા ખરેખર ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. મુંબઈ ગુજરાતી સંગઠનના ઉપક્રમે માતૃભાષાની ગરિમાને જાળવી રાખતાં શાળામાં ભવ્ય શોભાયાત્રા અને આનંદ મેળાનું આયોજન આગામી શનિવારે કરવામાં આવ્યું છે. જેમાં સૌ માતૃભાષા પ્રેમીઓ સહભાગી થઈ શકશે.
આ કન્યાશાળામાં વિદ્યાર્થિનીઓને માત્ર શિક્ષણ જ નથી અપાતું તો તેમને આત્મનિર્ભરતાના અનેક કૌશલ્યો પણ શીખવવામાં આવે છે. દરેક વિદ્યાર્થિનીની આર્થિક, માનસિક તથા શારીરિક સુખાકારીની તમામ કાળજી લઈ આ શાળા દરેક દીકરીને પગભર કરતી આવી છે. શાળામાં ગીતાજીના અધ્યાયોનું પણ શિક્ષણ આપી પઠન કરાવાય છે. આથી શિક્ષણ સાથે સંસ્કૃતિનું વહન કરતી આ શાળાની તમામ બાળાઓને ગીતાજીના અધ્યાયો મુખપાઠ હોય છે. આ શિક્ષણસંસ્થામાંથી બહાર પડેલી અનેક દીકરીઓ આજે વિવિધ પદોએ સેવા આપી રહી છે. ત્યારે માતૃભાષાના મહોત્સવમાં અને શતાબ્દી વર્ષની ઉજવણીરુપે યોજાયેલ આ શતાબ્દી યાત્રામાં શાળાની કે.જી.થી માંડી માધ્યમિક સુધીની વિદ્યાર્થિનીઓ તેમજ વિવિધ બિનસરકારી સંસ્થાઓ અને માતૃભાષાપ્રેમી વ્યક્તિ તથા સંગઠનો આ મહોત્સવમાં જોડાવાના છે, એવી માહિતી શાળાના પ્રાચાર્યા નંદાબેન ઠક્કર તથા પ્રાથમિક વિભાગાચાર્યા રીટાબેન રામેકરે આપી હતી.
તે જ રીતે આ મહોત્સવ નિમિત્તે આનંદમેળાનું આયોજન કરાયું છે. અને શોભાયાત્રામાં દસ પ્રકારના મૂલ્યોને દાખવતાં પ્રત્યેકે એક એમ દસ રથ પણ સમાવિષ્ટ થશે. માતૃભાષાના જયઘોષ સાથે આ શતાબ્દીયાત્રા સવારે આઠ વાગ્યે કામા ગલીમાં શાળાના પ્રાંગણથી નીકળી, ભાવેશ્વર લેનથી ઘાટકોપર પૂર્વના એમ.જી.રોડ થઈ ફરી શાળામાં જઈ વિરમશે. તેમાં વિવિધ સંગઠન સહિત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ જોડાવાના હોવાની માહિતી મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ આપી હતી.